તો હું ૨૩ ડિસેમ્બરથી ફરી ઉપવાસ પર ઊતરીશ : અણ્ણા

02 November, 2011 03:37 PM IST  | 

તો હું ૨૩ ડિસેમ્બરથી ફરી ઉપવાસ પર ઊતરીશ : અણ્ણા



સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ ગઈ કાલે વડા પ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને ફરી ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે જો આ શિયાળુસત્રમાં અંત સુધીમાં જનલોકપાલ બિલ પસાર નહીં કરવામાં આવે તો હું ફરી ઉપવાસ પર ઊતરીશ. જોકે અણ્ણાએ કૉન્ગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરવાની તેમની રણનીતિમાં ફેરફાર કયોર્ હોવાની ગઈ કાલે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશનાં જે પાંચ રાજ્યોમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યાં અમે કૉન્ગ્રેસ વિરુદ્ધ પ્રચાર નહીં કરીએ. કેન્દ્ર સરકારે અણ્ણાના પત્ર સામે આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું હતું કે વડા પ્રધાન મનમોહન સિંહ પોતે  મજબૂત લોકપાલ બિલ ટૂંક સમયમાં લાવવા માટે ખાતરી આપી ચૂક્યા છે ત્યારે શા માટે અણ્ણા વારંવાર ધમકી આપી રહ્યા છે?

શિયાળુસત્ર ૨૨ નવેમ્બરથી ૨૩ ડિસેમ્બર દરમ્યાન યોજાશે એવી સોમવારે જાહેરાત કરવામાં આવ્યા બાદ બીજા દિવસે સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ વડા પ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને જણાવ્યું હતું કે જો તમારી સરકાર શિયાળુસત્ર દરમ્યાન જનલોકપાલ બિલ પસાર નહીં કરે તો હું શિયાળુસત્રના છેલ્લા દિવસથી ફરી ઉપવાસ પર ઊતરીશ. અણ્ણા હઝારેએ જનલોકપાલ બિલ મામલે દિલ્હીના રામલીલા મેદાનમાં ૧૬ ઑગસ્ટથી ૨૮ ઑગસ્ટ સુધી એટલે કે બાર દિવસ ઉપવાસ કર્યા હતા. કેન્દ્રીય પ્રધાન વિલાસરાવ દેશમુખ ટૂંક સમયમાં લોકપાલ બિલ લાવવાની સરકારની લેખિત ખાતરી તેમની પાસે લઈ ગયા બાદ તેમણે પારણાં કયાર઼્ હતાં.
ટીમ અણ્ણાને મળ્યું ૨.૯ કરોડ રૂપિયાનું દાન ટીમ અણ્ણાને છેલ્લા છ મહિનામાં ૨.૯૪ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. એમાંના ૧.૧૪ કરોડ રૂપિયા ઑગસ્ટ મહિનામાં રામલીલા મેદાનમાં સામાજિક કાર્યકર અણ્ણા હઝારેના ૧૨ દિવસના ઉપવાસ દરમ્યાન ભેગા થયા હતા.

દિગ્વિજયે શું કહ્યું?

પોતાની આવકનો સ્રોત જાહેર ન કરનારા દાતાઓના ૪૨.૫૫ લાખ રૂપિયા તેમને પાછા આપી દેવાની ટીમ અણ્ણાએ જાહેરાત કર્યા બાદ ગઈ કાલે કૉન્ગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ટ્વિટર પર લખ્યું હતું કે ‘સુપર ટીમ અણ્ણાએ અસંભવને સંભવ બનાવ્યું છે. અજાણ્યા ડોનર્સ પાસેથી ૪૦ લાખ રૂપિયા મેળવીને એ તેમને પાછા આપી દેવાનું કામ તો સુપરહીરો જ કરી શકે.’

ટીમ અણ્ણાના સભ્ય અરવિંદ કેજરીવાલ પર ૮૦ લાખ રૂપિયા ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન નામની સંસ્થાના અકાઉન્ટમાંથી પોતાના ટ્રસ્ટમાં ટ્રાન્સ્ફર કરવાનો આરોપ મૂકવામાં આવ્યા બાદ તથા આવકનો સ્રોત જાહેર ન કરનારા દાતાઓના ૪૨.૫૫ લાખ રૂપિયા તેમને પરત આપી દેવાના ટીમ અણ્ણાના નિર્ણય બાદ કૉન્ગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે ગઈ કાલે ટ્વિટર પર જોડકણું લખ્યું હતું કે ‘ના ખાતા ન વહી, જો કેજરીવાલ કહે વો સહી.’

ચૂંટણીપંચ અણ્ણા સાથે અસહમત

ચૂંટણીપંચના કમિશનર એસ. વાય. કુરેશી તથા બીજા સભ્યો વી. એસ. સંપથ અને એચ. એસ. બ્રહ્માએ સોમવારે ટીમ અણ્ણાના સભ્યોને કહ્યું હતું કે ‘રાઇટ ટુ રિજેક્ટ (ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારને રિજેક્ટ કરવાનો અધિકાર) અને રાઇટ ટુ રીકૉલ (ચૂંટણીપ્રચાર દરમ્યાન આપેલાં વચનો પાળવા માટે ચૂંટાયેલા ઉમેદવારને યાદ અપાવવા માટેનો કાનૂન) સાથે અમે સંમત નથી. રાઇટ ટુ રીકૉલને કારણે દેશમાં અસ્થિરતા સર્જાશે અને રાઇટ ટુ રિજેક્ટને કારણે વારંવાર ચૂંટણીઓ યોજાશે.’

બીજેપીનો સપોર્ટ

બીજેપીએ કહ્યું હતું કે ‘જનલોકપાલ બિલ લાવવાની જવાબદાર સરકારની છે. જો સરકાર શિયાળુ સત્રમાં જનલોકપાલ બિલ લાવશે તો અમે એને સમર્થન આપીશું. અમે આ માટે સરકારની સ્ટૅન્ડિંગ કમિટીમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છીએ.’

અણ્ણા શા માટે વારંવાર ધમકી આપે છે?

કેન્દ્રીય માહિતી અને પ્રસારણપ્રધાન અંબિકા સોનીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘અણ્ણા હઝારે લોકપાલ બિલ મુદ્દે ફરી ઉપવાસ પર ઊતરવાની વારંવાર ધમકી શા માટે આપી રહ્યા છે? વડા પ્રધાન મનમોહન સિંહ પોતે ટૂંક સમયમાં જ મજબૂત લોકપાલ બિલ લાવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી ચૂક્યા છે. હિસારમાં કૉન્ગ્રેસ વિરુદ્ધ ચૂંટણીપ્રચાર કરવાનું શરૂ કર્યું એ પહેલાં પણ તેમણે ધમકી આપી હતી. વડા પ્રધાને કટિબદ્ધતા વ્યક્ત કર્યા પછી સરકાર પર દબાણ લાવવાની કોઈ જરૂર ન હોવા છતાં તેઓ આવું શા માટે કરી રહ્યા છે એ મને સમજાતું નથી.’

ટીમ અણ્ણા કૉન્ગ્રેસ વિરુદ્ધ પ્રચાર નહીં કરે

૭૩ વર્ષના સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘દેશના જે પાંચ રાજ્યોમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યાં અમે કૉન્ગ્રેસના ઉમેદવારોને મત ન આપવાનું લોકોને નહીં કહીએ. એને બદલે લોકોને ભ્રષ્ટાચારી, ગુંડા અને લૂંટારાઓને મત ન આપવા માટે વિનંતી કરીશું. આ ઉપરાંત અમે જુદાં-જુદાં રાજ્યોમાં લોકો પાસે જઈ તેમને જનલોકપાલ બિલનું મહત્વ સમજાવીશું.’