UP: STFના એન્કાઉન્ટરમાં માર્યો ગયો વધુ એક ગેંગસ્ટર: જામીન પર હતો બહાર, જાણો વિગત

04 May, 2023 04:11 PM IST  |  Lucknow | Gujarati Mid-day Online Correspondent

જેલમાંથી બહાર આવતાની સાથે જ અનિલ દુજાનાએ સંગીતા, તેની પત્ની અને જયચંદ પ્રધાન હત્યા કેસના સાક્ષીને ધમકી આપી હતી

પ્રતીકાત્મક તસવીર

ગેંગસ્ટર અનિલ દુજાના (Anil Dujana) UP STF દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકારની ઑફિસમાંથી રાજ્યના ટોપ 65 માફિયાઓની યાદી બહાર પાડવામાં આવી હતી. આમાં ગ્રેટર નોઈડાના અનિલ દુજાનાનું નામ પણ સામેલ હતું. કુખ્યાત બદમાશ અનિલ દુજાના લાંબા સમયથી દિલ્હીની તિહાર જેલમાં બંધ હતો, પરંતુ થોડા સમય પહેલા તે જામીન પર બહાર આવ્યો હતો.

જેલમાંથી બહાર આવતાની સાથે જ અનિલ દુજાનાએ સંગીતા, તેની પત્ની અને જયચંદ પ્રધાન હત્યા કેસના સાક્ષીને ધમકી આપી હતી. આ પછી ઉચ્ચ અધિકારીઓએ કાર્યવાહી કરી અને છેલ્લા અઠવાડિયામાં અનિલ દુજાના સામે 2 કેસ દાખલ કર્યા હતા. નોઈડા પોલીસની સ્પેશિયલ સેલની ટીમ અને STFની ટીમ દુજાનાને પકડવા માટે રોકાયેલી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન 7 ટીમો 20થી વધુ જગ્યાઓ પર સતત દરોડા પાડી રહી હતી.

યુપી સહિત ઘણા રાજ્યોમાં કેસ નોંધાયા

અનિલ દુજાના વિરુદ્ધ યુપી સહિત અન્ય રાજ્યોમાં હત્યા, ખંડણી વગેરેના 50 જેટલા કેસ નોંધાયેલા છે. બાદલપુરનું દુજાના ગામ એક સમયે કુખ્યાત સુંદર નાગર ઉર્ફે સુંદર ડાકુના નામથી જાણીતું હતું. સિત્તેર અને એંસીના દાયકામાં દિલ્હી-એનસીઆરમાં સુંદરનો ડર હતો. તેણે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. અનિલ નાગર ઉર્ફે અનિલ દુજાના આ દુજાના ગામનો છે. પોલીસ રેકોર્ડમાં 2002માં, હરબીર પહેલવાનની હત્યાનો પહેલો કેસ તેની વિરુદ્ધ ગાઝિયાબાદના કવિ નગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: લોકસભાના સભ્ય તરીકે અન્સારી ડિસક્વૉલિફાય

યુપીમાં બદમાશોનું એન્કાઉન્ટર

હવે યુપીના એન્કાઉન્ટરમાં ગેંગસ્ટર અનિલ દુજાનાનું નામ પણ જોડાઈ ગયું છે. એપ્રિલમાં, ઉમેશ પાલ હત્યા કેસના આરોપી અસદ અને તેના સાથી ગુલામ બંને એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર બાદ યુપીમાં રાજકીય બબાલ જોવા મળી હતી.

national news uttar pradesh india tihar jail