પીઓકેમાં લીડરની હત્યાનો બદલો લેવા અનંતનાગમાં હુમલો કરાયો

15 September, 2023 09:31 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

આ હુમલામાં આર્મીના બે ઑફિસર્સ અને પોલીસ-અધિકારી શહીદ થયા હતા

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં કોકેરનાગમાં આતંકવાદીઓ સાથેના ભીષણ ગોળીબારમાં ઇન્ડિયન આર્મીના બે ઑફિસર્સ અને એક ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ શહીદ થયા હતા.

સોર્સિસ અનુસાર લશ્કર-એ-તય્યબાની સાથે જોડાયેલા ગ્રુપ રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી લીધી છે. આ ગ્રુપે જણાવ્યું છે કે આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં તેમના લીડરની હત્યાનો બદલો લેવા માટે તેમણે આ હુમલો કર્યો હતો.

પીઓકેના રાવલકોટ પ્રદેશમાં આઠમી સપ્ટેમ્બરે અલ-કુદુસ મસ્જિદની અંદર લશ્કર-એ-તય્યબાના કમાન્ડર રિયાઝ અહમદની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સોર્સિસના જ‍ણાવ્યા અનુસાર તેના મોત બાદ તેના ફૉલોઅર્સમાં રોષ વ્યાપી ગયો હતો. જેનો બદલો લેવા માટે કોકેરનાગમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. અહમદનો ફાધર પણ આતંકવાદી હતો. જે ૨૦૦૫માં ઠાર મરાયો હતો.

જમ્મુ-કાશ્મીર પોલીસ અને ઇન્ડિયન આર્મીના આતંકવાદ વિરોધી સંયુક્ત ઑપરેશન દરમ્યાન કોકેરનાગમાં આ હુમલો થયો હતો, જેમાં કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનક અને ડીએસપી હુમાયુ ભટ શહીદ થયા હતા. કર્નલસિંહ ૧૯ રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડિંગ ઑફિસર હતા. તેઓ ઘટનાસ્થળે જ શહીદ થયા હતા.

હુમલાખોર આતંકવાદીઓને ઠાર મારવા ઑપરેશન

આ હુમલો કરનારા આતંકવાદીઓને ઠાર મારવા માટેનું ઑપરેશન ગઈ કાલે બીજા દિવસે પણ ચાલ્યું હતું. પોલીસે દાવો કર્યો હતો કે તેમણે અનંતનાગ જિલ્લાના ઊંચાણવાળા વિસ્તારોમાં લશ્કર-એ-તય્યબાના બે આતંકવાદીઓને ઘેરી લીધા છે. અનંગનાગ જિલ્લાના કોકેરનાગના ગદોલે જંગલમાં ગઈ કાલે વહેલી સવારે ગોળીઓના અવાજ સંભળાયા હતા. આતંકવાદીઓ પર્વતોમાં એક કુદરતી ગુફામાં છુપાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગદોલે જંગલમાં હેલિકૉપ્ટર્સ મંડરાતાં હતાં. આર્મી અને પોલીસે સમગ્ર એરિયાને ચુસ્ત રીતે ઘેરી લીધો છે.

india pakistan jammu and kashmir national news