23 August, 2025 12:40 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બિહારમાં ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના અને બંગાળમાં ૫૨૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે બિહાર અને પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા. બિહારના ગયાજીથી તેમણે ૬૮૦૦ કરોડ રૂપિયાના થર્મલ પ્લાન્ટ પ્રોજેક્ટના ઉદ્ઘાટન સહિત ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લૉન્ચિંગ કર્યું હતું. બંગાળના કલકત્તાથી તેમણે ૫૨૦૦ કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું, એમાં ત્રણ મહત્ત્વના મેટ્રો રેલવે સ્ટ્રેચ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પણ હતા. બન્ને રાજ્યોમાં તેમણે સભાને સંબોધન કરીને વિરોધ પક્ષો પર ચાબખા માર્યા હતા.
બિહારમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આટલાં વર્ષોમાં અમારી સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ ડાઘ લાગ્યો નથી, જ્યારે સ્વતંત્રતા પછી ૬૦-૬૫ વર્ષ સુધી સત્તામાં રહેલી કૉન્ગ્રેસ સરકારો પાસે ભ્રષ્ટાચારની લાંબી યાદી છે. બિહારનું દરેક બાળક RJDના ભ્રષ્ટાચાર વિશે જાણે છે. જરા વિચારો, આજે કાયદો છે કે જો કોઈ નાના સરકારી કર્મચારીને ૫૦ કલાક માટે કસ્ટડીમાં રાખવામાં આવે છે તો તે આપમેળે સસ્પેન્ડ થઈ જાય છે, પણ જો કોઈ મુખ્ય પ્રધાન હોય, મંત્રી હોય, પ્રધાનમંત્રી હોય તો તે જેલમાં રહીને પણ સત્તાનો આનંદ માણી શકે છે. આ કેવી રીતે શક્ય છે? એટલા માટે NDA સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદો લાવી, જેમાં દેશના પ્રધાનમંત્રીનો પણ સમાવેશ થાય છે. આ કાયદાને લીધે ભલે ગમે તે પ્રધાનમંત્રી, મુખ્ય મંત્રી કે કોઈ પણ મંત્રી હોય તેમણે ધરપકડના ૩૦ દિવસની અંદર જામીન મેળવવા પડશે; અને જો જામીન ન મળે તો ૩૧મા દિવસે તેમણે ખુરસી છોડવી પડશે.’
આપણે આટલો કડક કાયદો બનાવીએ છીએ તો RJDના લોકો, કૉન્ગ્રેસના લોકો, ડાબેરીઓ આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે એમ કહીને નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે ‘કોણ નથી જાણતું કે તેઓ શેનાથી ડરે છે? જેણે પાપ કર્યું છે તે બીજાઓથી પોતાનું પાપ છુપાવે છે. આપણા રાજેન્દ્રબાબુ, બાબાસાહેબ આંબેડકરે ક્યારેય વિચાર્યું નહોતું કે સત્તાના ભૂખ્યા લોકો ભ્રષ્ટાચાર કરશે અને જેલમાં ગયા પછી પણ ખુરસી સાથે ચોંટી રહેશે, પરંતુ હવે ભ્રષ્ટાચારીઓ જેલમાં જશે અને તેમની ખુરસી પણ જશે.’
નરેન્દ્ર મોદીએ તેમનું ભાષણ પૂરું કરતાં પહેલાં બિહારમાં ઘૂસણખોરી અને ચૂંટણીપંચના મતદારયાદીની તપાસના મુદ્દે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘દેશમાં ઘૂસણખોરોની વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. બિહારના સરહદી જિલ્લાઓમાં વસ્તી વિષયક સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. આ ખતરાને પહોંચી વળવા માટે અમે વસ્તી વિષયક મિશન શરૂ કરવાના છીએ. જ્યાં સુધી આપણે દરેક ઘૂસણખોરને દેશમાંથી બહાર નહીં કાઢીએ ત્યાં સુધી આપણે આરામ નહીં કરીએ. બિહારના લોકોએ પણ ખૂબ જ સાવધ રહેવું પડશે.’
નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં તેમના ભાષણમાં કહ્યું હતું કે ‘રેલવેનું બજેટ બંગાળ માટે તો ત્રણ ગણું વધ્યું છે, પણ બંગાળનાં વિકાસકાર્યો માટે મોટો પડકાર છે. પડકાર એ છે કે બંગાળ માટે અમે જે પૈસા રાજ્ય સરકારને મોકલીએ છીએ એના મોટા ભાગનો હિસ્સો લૂંટી લેવામાં આવે છે. વિકાસ માટેના પૈસા તૃણમૂલ કૉન્ગ્રેસના કાર્યકરો લૂંટી લે છે.’
આ મેટ્રો તો મેં મંજૂર કરેલીઃ મમતા બૅનરજી
વડા પ્રધાન બંગાળમાં મેટ્રોનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા ત્યારે બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે મને ગૌરવ છે કે મેં દરેક સ્તરે કામ કર્યું છે. હું જ્યારે કેન્દ્ર સરકારમાં રેલવે પ્રધાન હતી ત્યારે કલકત્તા માટે અનેક મેટ્રો કૉરિડોર યોજનાઓ બનાવવાનું અને એને મંજૂર કરવાનું સૌભાગ્ય મને મળ્યું હતું.