ભારત પર હુમલો થયો તો ઘરમાં ઘૂસીને મારીશુંઃ શાહનો હુંકાર

02 March, 2020 03:13 PM IST  |  Mumbai Desk

ભારત પર હુમલો થયો તો ઘરમાં ઘૂસીને મારીશુંઃ શાહનો હુંકાર

કલકત્તામાં આયોજિત રેલી દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહ (તસવીર: પી.ટી.આઇ)

પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તામાં ગૃહપ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની નવી ઑફિસનું ઉદ્ઘાટન કર્યું. આ દરમ્યાન ગૃહપ્રધાને કહ્યું કે અમે દુનિયામાં શાંતિ ઇચ્છીએ છીએ. હુમલો કરનાર પોતાના મોત નક્કી કરીને આવે છે. ભારત ઉપર હુમલો થશે તો ઘરમાં ઘૂસીને મારીશું. આ દરમ્યાન તેમણે સર્જિકલ સ્ટ્રાઇકની તરફ ઇશારો કરતાં કહ્યું કે અમેરિકા-ઇઝરાયલ ઘરમાં ઘૂસીને મારતા હતા. હવે ભારતનું નામ પણ હવે ઘરમાં ઘૂસીને મારનારાઓમાં સામેલ થઈ ગયું છે.

અમિત શાહે કહ્યું કે પાંચ વર્ષની અંદર એનએસજીએ ભારત સરકાર પાસેથી જે અપેક્ષાઓ રાખી છે તે તમામ અપેક્ષાઓની પૂર્તિ પીએમ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર સુનિશ્ચિત રીતે કરશે. એનએસજીના જવાનો ઓછામાં ઓછા ૧૦૦ દિવસ પરિવાર સાથે રહી શકે તેનું મોડ્યુઅલ પણ તૈયાર થઈ ચૂક્યું છે.

શાહે કહ્યું કે આજે મારા માટે ખૂબ જ ગૌરવ અને હર્ષનો વિષય છે કે એનએસજી માટે જે સુવિધા તેમને નિશ્ચિત થઈને કામ કરવા જોઈએ એ સુવિધા પૂરી પાડવામાં આજે એક પગલું આગળ વધી રહ્યા છીએ. એક સાથે લગભગ ૨૪૫ કરોડ રૂપિયાની અલગ-અલગ યોજનાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન થયું છે.

મમતાદીદી નાગરિકતા કાયદાને રોકી નહીં શકેઃ અમિત શાહ

કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે ગઈ કાલે કલકત્તામાં જાહેરસભાને સંબોધતાં જણાવ્યું હતું કે ‘પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી નાગરિકતા કાયદાને રોકી શકે એમ નથી. શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપતાં કેન્દ્ર સરકારને રોકવાની મમતાદીદીની ક્ષમતા નથી. નાગરિકતા કાયદા વિશે ખોટી ધારણાઓ ફેલાવીને વિરોધ પક્ષો શરણાર્થીઓને ડરાવે છે. મમતા બૅનરજી નાગરિકતા કાયદાનો વિરોધ કરીને તેમના રાજ્યમાં રમખાણોને છૂટો દોર આપે છે.’

પશ્ચિમ બંગાળ વિધાનસભાની આગામી ચૂંટણીમાં બીજેપીની સરકાર રચાવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે ‘રાજ્યમાં રહેતા લાખો શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે વડા પ્રધાન નાગરિકતા કાયદો લાવ્યા છે. મમતાદીદી એની સામે વિરોધ કરે છે. એ માહોલમાં રાજ્યમાં ટ્રેનો અને રેલવે-સ્ટેશનો બાળવામાં આવ્યાં. બીજેપી પશ્ચિમ બંગાળને ‘સોનાર બાંગલા’ બનાવશે. એ માટે જનતાએ ‘દીદી કે બોલો’ અને ‘આર નોઈ અન્યાય’નો મુકાબલો કરવાનો છે.’

national news amit shah mamata banerjee caa 2019