અમિત શાહે ખેડૂતો સાથે મંત્રણામાં જોડાનાર ૩ પ્રધાનો સાથે રણનીતિ બનાવી

30 December, 2020 03:01 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અમિત શાહે ખેડૂતો સાથે મંત્રણામાં જોડાનાર ૩ પ્રધાનો સાથે રણનીતિ બનાવી

ખેડૂતોના લગભગ એક મહિનાથી ચાલતા વિરોધને ખતમ કરવા અને તેમની શંકા દૂર કરવા માટે સરકાર આજે થનારી વાતચીતમાં એમએસપી પર નવી ફૉર્મ્યુલા રજૂ કરશે. ગૃહપ્રધાન અમિત શાહે ખેડૂતો સાથે વાતચીત કરનાર ત્રણેય કેન્દ્રીય પ્રધાનો સાથે સોમવારે વાતચીતની રણનીતિ તૈયાર કરી છે. સરકાર ખેડૂતો સાથે થનારી મીટિંગને નિષ્ફળ નથી જવા દેવા માગતી.

સરકાર જાણે છે કે ખેડૂત સંગઠનો ત્રણેય કાયદા પાછા ખેંચવા અને એમએસપીને કાનૂની બનાવવાની માગણી સાથે વિરોધ ચાલુ રાખશે એટલે ખેડૂત સંગઠનોની આ રણનીતિના જવાબમાં સરકાર એમએસપી વિશેની નવી ફૉર્મ્યુલા ખેડૂતો સમક્ષ મૂકશે, જેમાં સરકાર કહેશે કે એ એમએસપી હેઠળ સરકારી ખરીદીને ભવિષ્યમાં ચાલુ રાખવા માટે લેખિત ગૅરન્ટી આપવા માટે તૈયાર છે, પણ એને કાયદાનો ભાગ નહીં બનાવી શકાય. સરકાર ખેડૂત સંગઠનોને પૂછશે કે એમએસપી ચાલુ રાખવાનો સંદેશ આપવા સરકાર બીજું શું કરી શકે? આ ઉપરાંત સરકાર એમ પણ કહેશે કે કાયદો લાગુ થયા પછી જે જોગવાઈને કારણે ખેડૂતોને મુશ્કેલી પડશે એમાં ભવિષ્યમાં વાતચીત કરીને ફેરફાર થશે.

સરકાર સંપૂર્ણ રણનીતિ સાથે વાતચીતના મેદાનમાં ઊતરવા માગે છે. આ જ કારણ છે કે સમય એક દિવસ લંબાવાયો છે. વાતચીત માટે સરકારની રણનીતિ તૈયાર કરવા સોમવારે ગૃહપ્રધાન શાહ, કૃષિપ્રધાન તોમર અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ વચ્ચે મૅરથૉન મીટિંગ થઈ. મંગળવારે પણ વાતચીતની તૈયારી માટે આ જ પ્રકારની ઉચ્ચ સ્તરીય મીટિંગ થઈ હતી. સરકાર ઇચ્છે છે કે આ વખતની વાતચીતનું કોઈ સકારાત્મક પરિણામ આવે.

national news amit shah