ગલવાન ઘાટી ચીનનું ષડયંત્ર? ઘટનાના થોડા દિવસો પહેલા સૈનિકો ગોઠવ્યા હતા

02 December, 2020 09:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગલવાન ઘાટી ચીનનું ષડયંત્ર? ઘટનાના થોડા દિવસો પહેલા સૈનિકો ગોઠવ્યા હતા

તસવીર સૌજન્યઃ જાગરણ

ગલવાન ઘાટીમાં થયેલા સંઘર્ષ બાબતે અમેરિકાની ટોચની પેનલે દાવો કર્યો છે કે ગલવાન ઘાટીમાં 15 જૂનની રાત્રે થયેલી ઝપાઝપી એ ચીનનું ષડયંત્ર હતું. ચીનના રક્ષા પ્રધાન જનરલ વેઈ ફેંગેની સલાહના આધારે આ ષડયંત્ર રચવામાં આવ્યુ હતું. તેમણે ચીન સરકારને અપીલ કરી હતી કે પોતાની સીમાઓ સ્થાપિત કરવા માટે ભારત-ચીન સરહદ પર સેનાનો ઉપયોગ કરવામાં આવે.

અહેવાલ પ્રમાણે ચીનનો ઉદ્દેશ જાપાનથી ભારત સુધી તેના પડોશી દેશોને ઉશ્કેરવાનો, સૈન્ય અને સંસદીય અથડામણ ઉભી કરવાનો છે. યુનાઈટેડ સ્ટેટ્સ ચીન ઈકોનોમિક એન્ડ સિક્યોરિટી રિવ્યુ કમીશન (USCC)એ બુધવારે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જેમા કહેવામાં આવ્યુ હતું કે ગલવાનમાં થયેલી ઝપાઝપી એક ષડયંત્ર હતું અને તેમાં જીવલેણ હુમલાની પણ આશંકા હતી તે વાતના પૂરાવા સામે આવ્યા છે.

સેટેલાઈટની તસવીરો પરથી જાણવા મળ્યુ છે કે સૈનિકો વચ્ચે થયેલી ઝપાઝપીના એક સપ્તાહ અગાઉ ચીને આ વિસ્તારમાં 1000 સૈનિકો ગોઠવ્યા હતા. જૂન 2020માં ચીનની પિપલ્સ લિબરેશન આર્મી (PLA) અને ભારતીય સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટના લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર લદ્દાખની ગલવાન ઘાટીમાં થઈ હતી. આ ઘટનામાં ભારતના 20 સૈનિક શહીદ થયા હતા, જ્યારે ચીને તેના પક્ષે થયેલી જાનહાનિ અંગેની માહિતી છૂપાવી હતી.

વર્ષ 1975 બાદ આ પ્રથમ ઘટના હતી કે જ્યારે બન્ને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ હતી અને સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. આ વિસ્તારમાં મે મહિનાથી જ અનેક સેક્ટરોમાં તણાવ વધારનારી ઘટના તબક્કાવાર રીતે શરૂ થઈ હતી.

અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે, બેઈજિંગે તેના પડોશીઓ વિરુદ્ધ એક મલ્ટીલેયર કેમ્પેઈનને વેગ આપ્યો છે. તેમા જાપાન, ભારત અને સાઉથ-ઈસ્ટ એશિયાના દેશો સાથે તેનો તણાવ વધ્યો છે. ત્યારબાદ ચીનના રક્ષા મંત્રીએ ચીન સરકારને સીમા પર સ્થિતિને સ્થિરતા આપવા સેનાનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી.

 

national news china