અમરનાથ યાત્રા માટે હલવા-પૂરી, ઢોસા અને કોલ્ડ-ડ્રિન્ક્સ પર બૅન

10 June, 2023 09:33 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે અમરનાથ યાત્રા દરમ્યાન 42 યાત્રાળુઓનાં મૃત્યુ થયાં હતાં.

અમરનાથ યાત્રા

શું તમે પહેલી જુલાઈથી શ્રી અમરનાથ યાત્રાએ જઈ રહ્યા છો? જો હા તો તમને આ યાત્રા દરમ્યાન કોલ્ડ ડ્રિન્ક્સ, ક્રન્ચી સ્નૅક્સ, ડીપ ફ્રાઇડ અને ફાસ્ટ ફૂડ આઇટમ્સ તથા જલેબી, હલવા-પૂરી અને છોલે ભટુરે ખાવા નહીં મળે. ૬૨ દિવસની આ યાત્રાની પહેલી જુલાઈથી શરૂઆત થશે અને ૩૧ ઑગસ્ટ સુધી ચાલશે. 

શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ દ્વારા વાર્ષિક યાત્રા માટે હેલ્થ ઍડ્વાઇઝરી ઇશ્યુ કરવામાં આવી છે. ઑથોરિટીએ યાત્રાળુઓના આરોગ્ય માટે જોખમ ઊભું થાય એવી અનેક ફૂડ-આઇટમ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

ડિટેઇલ્સવાળું એક ફૂડ-મેનુ તૈયાર કરવામાં આવ્યું છે જે યાત્રાળુઓ અને સર્વિસ પૂરી પાડનારાઓને ભોજન નિઃશુલ્ક પૂરું પાડવા અને વેચવા માટે યાત્રાના વિસ્તારમાં આવતા લંગરના આયોજકો, ફૂડ-સ્ટૉલ્સ, દુકાનો અને રેસ્ટોરાં માટે લાગુ પડશે.

કેન્દ્ર સરકાર ફરજિયાત હેલ્થ સર્ટિફિકેટનો આગ્રહ રાખે છે અને યાત્રાળુઓને સુર​ક્ષિત રાખવા માટે યાત્રાના રૂટ પર જુદાં-જુદાં સ્થળોએ હૉસ્પિટલ્સ શરૂ કરવામાં આવી છે અને ઑક્સિજન-બૂથ્સ ઇન્સ્ટૉલ કરવા જેવાં પગલાં લેવામાં આવ્યાં છે. 

યાત્રાળુઓની સલા​મતીની કાળજી લેવા માટે તેમને મૉનિટર કરવા માટે ગયા વર્ષથી રેડિયો ફ્રીક્વન્સી આઇડન્ટિફિકેશન ટૅગ્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ફૂડ-મેનૂમાં નૉન વેજ ફૂડ, આલ્કોહૉલ, તમાકુ, ગુટકા, પાન મસાલા, સ્મોકિંગ તેમ જ અન્ય નશીલા પદાર્થો પર ધાર્મિક કારણસર બૅન મૂકવામાં આવ્યો છે. કોલ્ડ ડ્રિન્ક પર પણ બૅન મૂકવામાં આવ્યો છે, પરંતુ હર્બલ ટી, કૉફી, ઓછી ફૅટવાળું મિલ્ક, ફ્રૂટ જૂસ અને વેજિટેબલ સૂપને મંજૂરી આપવામાં આવી છે. 

char dham yatra new delhi national news