Kerala: વાયનાડમાં રાહુલ ગાંધીની ઑફિસમાં તોડફોડ, CMએ આપ્યું કાર્યવાહીનું આશ્વાસન

24 June, 2022 08:04 PM IST  |  Thiruvananthapuram | Gujarati Mid-day Online Correspondent

આ કેસમાં પોલીસે તોડફોડની પુષ્ટિ કરી તપાસની વાત કરી છે

રાહુલ ગાંધી. ફાઇલ તસવીર

કેરળના વાયનાડમાં કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ઑફિસમાં તોડફોડ કરવામાં આવી છે. ઇન્ડિયન યુથ કૉંગ્રેસે એક ટ્વિટમાં આરોપ લગાવ્યો છે કે SFIના ઝંડા સાથે આવેલા કેટલાક ગુંડાઓએ રાહુલ ગાંધીની વાયનાડ ઑફિસની દિવાલ પર ચઢીને ઓફિસમાં તોડફોડ કરી હતી. આ કેસમાં પોલીસે તોડફોડની પુષ્ટિ કરી તપાસની વાત કરી છે.

કૉંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો કે “આ પોલીસની હાજરીમાં થયું છે. આ સીપીએમ નેતૃત્વનું સ્પષ્ટ કાવતરું છે. ED છેલ્લા 5 દિવસથી તેમની પૂછપરછ કરી રહી છે. મને ખબર નથી કે કેમ કેરળ સીપીએમ નરેન્દ્ર મોદીની જેમ કૉંગ્રેસી નેતા પર હુમલો કરવાના માર્ગે જઈ રહ્યું છે. મને લાગે છે કે સીતારામ યેચુરી જરૂરી પગલાં લેશે.”

કૉંગ્રેસના નેતાઓએ ઘટનાને વખોડી

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે પણ આ બાબતે ટ્વીટ કર્યું અને લખ્યું કે “વાયનાડમાં રાહુલ ગાંધીના કાર્યાલયમાં CPIની વિદ્યાર્થી પાંખ SFIના કાર્યકરોએ તોડફોડ કરી હતી. શું સીએમ પિનરાઈ વિજયન અને સીતારામ યેચુરી શિસ્તભંગના પગલાં લેશે કે તેમનું મૌન જ આ વર્તનની નિંદા કરશે? શું આ તેમનો રાજકારણનો વિચાર છે?” કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે “આ સંગઠિત ગુંડાઓની ગુંડાગીરી છે. આ આયોજનબદ્ધ હુમલા માટે સીપીએમ સરકાર જવાબદાર છે.”

સીએમ પિનરાઈ વિજયને કાર્યવાહીની વાત કહી

બીજી તરફ, કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને વાયનાડમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાર્યાલય પર થયેલા હુમલાની નિંદા કરી અને દોષીઓ સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. સીએમએ કહ્યું કે “અમે રાહુલ ગાંધીના કાર્યાલય પરના ગુનાની સખત નિંદા કરીએ છીએ. આપણા દેશમાં, દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અને લોકતાંત્રિક રીતે વિરોધ કરવાનો અધિકાર છે. હિંસા એ ખોટું વલણ છે. દોષીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.” તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી વાયનાડથી લોકસભા સાંસદ છે. હાલમાં નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

national news rahul gandhi kerala