દુષ્કર્મ કેસ : ચિન્મયાનંદને 5 મહિના બાદ અલાહાબાદ હાઈ કોર્ટે જામીન આપ્યા

04 February, 2020 11:00 AM IST  |  Allahabad

દુષ્કર્મ કેસ : ચિન્મયાનંદને 5 મહિના બાદ અલાહાબાદ હાઈ કોર્ટે જામીન આપ્યા

સ્વામી ચિન્મયાનંદ

દુષ્કર્મ મામલાના આરોપમાં શાહજહાંપુર જેલમાં બંધ ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્યપ્રધાન સ્વામી ચિન્મયાનંદને અલાહાબાદ હાઈ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સોમવારે ચિન્મયાનંદની જામીન અરજીની સુનાવણી કરતાં અલાહાબાદ હાઈ કોર્ટે તેમને જામીન આપ્યા છે. આપને જણાવી દઈએ કે ચિન્મયાનંદ પર તેની જ કૉલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. મામલામાં એસઆઇટીની તપાસ ચાલી રહી છે. શાહજહાંપુરમાં સ્વામી શુકદેવાનંદ લૉ કૉલેજમાં ભણતી એક વિદ્યાર્થિનીએ ૨૪ ઑગસ્ટે એક વિડિયો વાઇરલ કરી સ્વામી ચિન્મયાનંદ પર શારીરિક શોષણ અને અનેક છોકરીઓનું જીવન ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. વિડિયો વાઇરલ થતાં વિદ્યાર્થિની ગુમ થઈ ગઈ હતી. બાદમાં પોલીસે તેને તેના મિત્ર સાથે રાજસ્થાનથી શોધી કાઢી હતી.

આ પણ વાંચો : કેરળમાં કોરોના વાઇરસનો ત્રીજો કેસ પૉઝિટિવ : બંગાળમાં 8 શંકાસ્પદ દર્દી

આ કેસમાં વિદ્યાર્થિનીના પિતાએ ૨૫ ઑગસ્ટે સ્વામી ચિન્મયાનંદ વિરુદ્ધ અપહરણ અને મૃત્યુની ધમકીની કલમો હેઠળનો કેસ નોંધાવ્યો હતો. વળી ચિન્મયાનંદના વકીલ વતી વિદ્યાર્થિની અને તેના મિત્રો પર પાંચ કરોડની વસૂલાતની માગણીનો આરોપ લગાવતાં કેસ દાખલ કરાયો હતો.

allahabad national news