ભારતીય મૂળના નાગરિકો માટે તમામ વિઝા, ઓસીઆઇ કાર્ડ સ્થગિત રહેશે

09 May, 2020 04:29 PM IST  |  Mumbai Desk | Agencies

ભારતીય મૂળના નાગરિકો માટે તમામ વિઝા, ઓસીઆઇ કાર્ડ સ્થગિત રહેશે

પ્રતીકાત્મક તસવીર

આંતરરાષ્ટ્રીય પ્રવાસ પરનો પ્રતિબંધ જ્યાં સુધી ઉપાડી લેવામાં ન આવે ત્યાં સુધી વિદેશમાં વસતા ભારતીય મૂળના નાગરિકો માટે તમામ વિઝા અને ઓસીઆઇ કાર્ડ સ્થગિત રહેશે, એમ ભારતીય એલચી કચેરીએ કહ્યું હતું.

જો કે હાલ ભારતમાં જ હોય અને ભારત બહાર ન જઈ શકે તેવા તેમ જ જેમના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોય તેઓ કોઈ પણ પ્રકારની વધારાની ફી ચૂકવ્યા વિના વિઝાની મુદત લંબાવવાની અરજી કરી શકશે, એમ ભારતીય એલચી કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. વિઝા ફ્રી પ્રવાસ માટે જેમને ઓવરસિઝ સિટિઝનશિપ ઑફ ઇન્ડિયા (ઓસીઆઇ) કાર્ડ આપવામાં આવ્યા હોય અને જો હાલ તેઓ ભારતમાં ન હોય તો તેમના વિઝા અને ઓસીઆઇ કાર્ડ આંતરરાષ્ટ્રીય પ્રવાસ પરનો પ્રતિબંધ ન હટે ત્યાં સુધી સ્થગિત રહેશે, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

જો કે જે પ્રવાસી હાલ ભારતમાં હશે તેમના વિઝા અને ઓસીઆઇ કાર્ડ માન્ય ગણવામાં આવશે એમ તેમણે કહ્યું હતું. ઓસીઆઇ કાર્ડ વિદેશમાં વસતા ભારતીય મૂળના નાગરિકોને ભારતમાં અચોક્કસ મુદત માટે રહેવાની અને કામ કરવાની પરવાનગી આપે છે.
જો કે રાજદ્વારીઓ, સત્તાવાર પાસપોર્ટ ધરાવનાર, સંયુક્ત રાષ્ટ્રસંઘ સહિતની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કામ કરતા લોકો અને પ્રોજેક્ટ અને એમ્પ્લોયમેન્ટ વિઝાધારકો આમાંથી બાકાત હશે, એમ તેમણે કહ્યું હતું.

કોચી ઊતરેલા પાંચ લોકોમાં કોરોનાનાં લક્ષણ
ભારતીયોને લઈને યુએઇથી પાછા ફર્યા બે વિમાન, ૩૬૩ મુસાફરોની ‘વતન-વાપસી’

કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં લૉકડાઉનની સ્થિતિ વ્યાપેલી છે જેથી લોકોને તેઓ જ્યાં છે ત્યાં જ રોકાઈ રહેવા ફરજ પડી છે. જો કે લૉકડાઉનના કારણે સમગ્ર વિશ્વમાં ફસાયેલા ભારતીયોની વતન-વાપસી શરૂ થઈ ગઈ છે અને ગુરુવારે બે ઇન્ટરનૅશનલ ફ્લાઈટ દ્વારા ભારતના ૩૬૩ પ્રવાસી નાગરિકો કેરળ પહોંચ્યા હતા. ભારત સરકાર ‘વંદે ભારત મિશન’ અંતર્ગત ભારતીય લોકોને સ્વદેશ લાવવાનું કામ કરી રહી છે તથા દુબઈથી આવેલી ઍર ઇન્ડિયાની એક ફ્લાઈટ કોઝિકોડ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર અને બીજી ફ્લાઈટ કોચી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઊતરી હતી. દુબઇ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી આવેલી ઍર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ રાતે ૧૦.૪૫ કલાકે કોઝિકોડ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઊતરી હતી તથા તેમાં ૧૭૭ ભારતીય નાગરિકો અને પાંચ નવજાત સવાર હતા. ઍરપોર્ટ પર ઉતાર્યા બાદ તે તમામ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તેમને બધાને ૧૪ દિવસ માટે ક્વૉરન્ટીનમાં રહેવું પડશે. ભારત સરકાર હાલ અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે પણ આ પ્રકારની ફ્લાઈટ્સની વ્યવસ્થા કરી રહી છે.
તેના પહેલાં વંદે ભારત મિશન અંતર્ગત ઍર ઇન્ડિયાની પહેલી ફ્લાઈટ અબૂધાબી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી રાતે ૧૦.૦૯ કલાકે કોચી ઍરપોર્ટ પહોંચી હતી જેમાં ૧૭૭ મુસાફર અને ચાર નવજાત સહિત કુલ ૧૮૧ ભારતીય નાગરિકો સવાર હતા. તે પૈકીના પાંચ લોકોમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં છે જેથી તેમને જિલ્લા હૉસ્પિટલ અલુવાના આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે.

national news