24 April, 2026 12:42 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
ચેન્નઈમાં એક પરિવારની ત્રણ જનરેશને મતદાન કર્યા પછી ફૅમિલી ફોટો પડાવ્યો હતો.
ગઈ કાલે તામિલનાડુમાં વિધાનસભાની તમામ ૨૩૪ બેઠકો માટે મતદાન થયું હતું. સાંજે ૭ વાગ્યા સુધીમાં અહીં ૮૪.૬૯ ટકા મતદાન થયું હતું જે આ રાજ્યમાં ઐતિહાસિક છે. ૨૦૧૬ની વિધાનસભાની ચૂંટણીમાં ૭૪.૨૫ ટકા અને ૨૦૨૧માં ૭૨.૭૩ ટકા મતદાન થયું હતું. ૨૦૧૬માં AIADMKની સરકાર બની હતી, જ્યારે ૨૦૨૧માં DMKની સરકાર બની હતી. આજે થયેલા મતદાનનું રિઝલ્ટ ૪ મેના રોજ આવશે.
આ વર્ષે જે પણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઈ છે એમાં મતદાનના રેકૉર્ડ તૂટી રહ્યા છે. આ પહેલાં આસામમાં ૮૫.૯૧ ટકા, પૉન્ડિચેરીમાં ૯૦ ટકા અને કેરલમમાં ૭૮.૨૭ ટકા મતદાન થયું હતું. મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે ‘પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં આ વખતે આઝાદી પછી અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન થયું છે. આ બન્ને રાજ્યોમાં આ પહેલાં આટલી માત્રામાં વોટિંગ કદી નોંધાયું નહોતું. ચૂંટણીપંચ તમામ મતદાતાને સલામ કરે છે જેમણે મોટી સંખ્યામાં પોતાના મતદાનના અધિકારનો પ્રયોગ કર્યો છે.’
તામિલનાડુમાં ગઈ કાલે યોજાયેલી વિધાનસભાની ૨૩૪ બેઠકોની ચૂંટણીમાં મતદાન કરવા માટે આ વખતે મોટી સંખ્યામાં નૉન-રેસિડન્ટ ઇન્ડિયન્સ (NRI) ભારત આવ્યા છે. અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, યુરોપ, ગલ્ફ દેશો, રશિયા અને પાડોશી દેશો જેવા કે શ્રીલંકા, મલેશિયા, સિંગાપોર અને થાઇલૅન્ડથી તામિલ લોકો ભારત આવ્યા છે. ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ભરેલી આવી હોવાનું કહેવાય છે. મુસાફરોએ ફક્ત ચૂંટણીમાં ભાગ લેવા માટે લાંબી મુસાફરી કરી છે.
મુસાફરોથી ભરેલી સિંગાપોરથી ત્રિચી આવતી ફ્લાઇટનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ક્લિપ વધતી જતી મતદાતા-જાગૃતિને પ્રતિબિંબિત કરે છે. આ વિડિયો કૅપ્ટન પ્રદીપ કૃષ્ણને ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ વિડિયોની કૅપ્શનમાં તેમણે લખ્યું હતું કે જો લોકો મતદાનના દિવસે ચૂપ રહે તો ભવિષ્ય વિશે ફરિયાદ ન કરવી જોઈએ.
ઍક્ટર થલપતિ વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK)ના પ્રવેશને કારણે આ ચૂંટણીએ વધુ ધ્યાન ખેંચ્યું છે. રાજકારણમાં તેના પ્રવેશથી ખાસ કરીને યુવા મતદારોમાં નવી રુચિ ઊભી થઈ છે. નવી રાજકીય પાર્ટી સાથે ઉત્સાહ વધુ વધ્યો છે, જેને કારણે આ ચૂંટણી પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
તામિલનાડુમાં અનેક સેલિબ્રિટીઝે પહેલા તબક્કાના મતદાનમાં વોટિંગ કર્યું હતું. સાઉથના ભગવાન ગણાતા દિગ્ગજ ઍક્ટર રજનીકાન્ત તથા દિગ્ગજ ઍક્ટર અને રાજ્યસભાના સંસદસભ્ય કમલ હાસને દીકરી શ્રુતિ હાસન સાથે ચેન્નઈમાં મતદાન કર્યું હતું. મ્યુઝિક કમ્પોઝર ઇલયા રાજા, ક્રિકેટર રવિચંદ્રન અશ્વિન અને વરુણ ચક્રવર્તીએ પણ મતદાન કરીને પોઝ આપ્યો હતો.