ઑલ ધ બેસ્ટ ડૅડી

01 November, 2014 06:45 AM IST  | 

ઑલ ધ બેસ્ટ ડૅડી


ગઈ કાલે મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા પછી મેદનીનું અભિવાદન ઝીલતા અને લોકો સાથે હાથ મિલાવતા આગળ વધી રહ્યા હતા એ વખતે તેમની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહેલી એક છોકરી પર દેવેન્દ્ર ફડણવીસનું ધ્યાન પડ્યું હતું. તે છોકરી બીજું કોઈ નહીં પણ તેમની પુત્રી દિવિજા હતી અને પિતાને શુભેચ્છા આપવા માટે પોતાના વારાની રાહ જોઈ રહી હતી.


પુત્રીને જોતાંવેંત જ મુખ્ય પ્રધાનમાં રહેલો પિતા હાથ ખુલ્લા રાખીને ઊભેલી પોતાની પુત્રી તરફ દોડી ગયો હતો. એ વખતે ‘ઑલ ધ બેસ્ટ બાબા’ કહીને દિવિજાએ પોતાના પિતાને વિશ કર્યું હતું. દિવિજા દેવેન્દ્ર ફડણવીસની માતા સરિતા અને પત્ની અમૃતા સાથે ત્યાં આવી હતી.


નાગપુરમાં ભવન્સ ભગવાનદાસ પુરોહિત વિદ્યામંદિરમાં કિંડરગાર્ટનમાં ભણતી દિવિજા સાઉથ મુંબઈમાં મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલાની યંગેસ્ટ રહેવાસી બનશે. NCP ચીફ શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળે મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનની યંગેસ્ટ રહેવાસી હતાં. અત્યારે બારામતીની સંસદસભ્ય એ વખતે ફક્ત નવ વર્ષનાં હતાં જ્યારે તેમના પિતા ૩૮ વર્ષની વયે મહારાષ્ટ્રના યંગેસ્ટ મુખ્ય પ્રધાન બન્યા હતા.