બધાને મફત વૅક્સિન મળશે: મોદી સરકારે કરી સ્પષ્ટતા

27 October, 2020 11:23 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બધાને મફત વૅક્સિન મળશે: મોદી સરકારે કરી સ્પષ્ટતા

પ્રતીકાત્મક તસવીર

દેશના વિરોધ પક્ષોની માગણીને અનુલક્ષીને કેન્દ્રીય પ્રધાન પ્રતાપ સારંગીએ જણાવ્યું હતું કે બીજેપી દ્વારા ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવેલી જાહેરાત મુજબ માત્ર બિહારમાં જ નહીં પરંતુ સંપૂર્ણ દેશમાં કોવિડ-19ની રસી મફતમાં આપવામાં આવશે.

બિહારમાં આ અઠવાડિયે શરૂ થઈ રહેલી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને બીજેપીએ બિહારની જનતા માટે કરેલી કોવિડ-19ની મફત રસીની જાહેરાતે વિવાદ જગાવ્યો હતો. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પક્ષના ચૂંટણી ઢંઢેરામાં બિહારની જનતાને મફતમાં રસી આપવાની કરેલી જાહેરાતને વિરોધ પક્ષોએ મહામારીનો રાજકીય ઉપયોગ કરવાનો આક્ષેપ મૂક્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે દેશના તમામ નાગરિકોને મફતમાં કોવિડ-19ની રસી ઉપલબ્ધ કરવામાં આવશે. પ્રત્યેક વ્યક્તિદીઠ રસીનો ખર્ચ લગભગ ૫૦૦ રૂપિયા જેટલો આવતો હોવાનું પ્રતાપ સારંગીએ ત્રીજી નવેમ્બરની વિધાનસભાની ચૂંટણીના બાલાસોરમાં કરાયેલા પ્રચાર બાદ પત્રકારોને જણાવ્યું હતું.

coronavirus covid19 national news narendra modi