ઐશ્વર્યા રાયના ફેક પાસપોર્ટ અને કરોડો રૂપિયાની ફેક કરન્સી નોટ્સ પકડાઈ

18 December, 2022 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક નિવૃત્ત કર્નલની ફરિયાદ પર પોલીસે નાઇજિરિયાના બે નાગરિક અને ઘાનાના એક નાગરિકની ધરપકડ કરી

ઐશ્વર્યા રાયના ફેક પાસપોર્ટ અને કરોડો રૂપિયાની ફેક કરન્સી નોટ્સ પકડાઈ

નોએડાઃ ગ્રેટર નોએડામાં રહેતા ત્રણ વિદેશીઓની સાઇબર-ફ્રૉડના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ફિલ્મસ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચનના નામે બનાવવામાં આવેલો ફેક પાસપોર્ટ પણ મળી આવ્યો હતો. પોલીસે આર્મીના એક નિવૃત્ત કર્નલની ફરિયાદ પર એફઆઇઆર દાખલ કરી હતી. આ કર્નલની સાથે ૧.૮૧ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જે મામલે તપાસ નાઇજિરિયાના બે નાગરિક અને ઘાનાના એક નાગરિક સુધી લઈ ગઈ હતી.

ડેપ્યુટી પોલીસ કમિશનર (ગ્રેટર નોઇડા) અભિષેક વર્માએ જણાવ્યું હતું કે ધરપકડ દરમ્યાન પોલીસને આ ત્રણેય જણ પાસેથી ત્રણ હજાર અમેરિકન ડૉલર (અઢી લાખ રૂપિયા) અને સાડાદસ હજાર પાઉન્ડ (૧૦.૬૦ લાખ રૂપિયા) મળ્યા હતા.

પોલીસે ૧૦.૭૬ કરોડ રૂપિયાની ફેક ઇન્ડિયન કરન્સી નોટ્સ પણ જપ્ત કરી હતી. એટલું જ નહીં, ફેક યુએસ ડૉલર અને ફેક બ્રિટિશ પાઉન્ડનાં ડઝનેક બંડલ્સ પણ જપ્ત કર્યાં હતાં.
આ અધિકારીએ વધુ જણાવ્યું હતું કે તેમનાં લેપટૉપ્સ અને કમ્પ્યુટર્સની તપાસ કરવામાં આવતાં તેમની પાસેથી ફેક વિઝા અને ફેક પાસપોર્ટની કૉપીસ પણ મળી હતી. જેમાંથી એક ફેક પાસપોર્ટ
પર પૉપ્યુલર ઇન્ડિયન ઍક્ટ્રેસનો ફોટોગ્રાફ હતો.

national news delhi aishwarya rai bachchan