27 June, 2023 11:35 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
ઍર ઇન્ડિયાની ફ્લાઇટ
લંડનથી દિલ્હી જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટના પાઇલટ્સે ઇમર્જન્સીમાં જયપુર ઍરપોર્ટ પર લૅન્ડિંગ કરાવ્યા બાદ ફ્લાઇટ ઉડાડવાની ના પાડી દીધી હતી, કારણ કે તેમનો ડ્યુટી-ટાઇમ પૂરો થઈ ગયો હતો. પરિણામે ૩૫૦ મુસાફરો ત્રણ કલાક સુધી અટવાઈ ગયા હતા. આખરે તેમને દિલ્હી લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. ઍર ઇન્ડિયાની ફ્લાઇટ રવિવારે સવારે ૪ વાગ્યે દિલ્હી પહોંચવાની હતી, પરંતુ દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે આ વિમાનને જયપુર ડાઇવર્ટ કરવામાં આવ્યુ હતું. જયપુરમાં વિરામ બાદ વિમાનને દિલ્હી લાવવાની મંજૂરી મળી હતી, પરંતુ પાઇલટ્સે તેમના ડ્યુટી-અવર્સ પૂરા થઈ ગયા છે એવું જણાવીને વિમાન ઉડાડવાની ના પાડી દીધી હતી.
અદિત નામના પ્રવાસીએ તેમની આ મુશ્કેલીની વાત સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. વળી તેમને દિલ્હી પહોંચાડવા માટે જે વ્યવસ્થા કરવામાં આવી હતી એને પણ હાસ્યાસ્પદ ગણાવી હતી. તાતા ગ્રુપની માલિકીની કંપનીએ કહ્યું હતું કે ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન્સના નિયમોને કારણે પાઇલટ્સને વિમાનને જયપુર તરફ લઈ ગયા બાદ દિલ્હી સુધી ફ્લાઇટ ચલાવવા માટે ના પાડવી પડી હતી. પ્રવાસીઓ અને વિમાનના કર્મચારીઓની સુરક્ષાના હિતમાં આ પગલાં લેવામાં આવ્યાં હતાં.