એર ઇન્ડિયાના મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઇજાગ્રસ્ત, ફુકેત-દિલ્હી ફ્લાઇટને નડ્યું ટર્બ્યુલન્સ

04 August, 2026 03:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Air India Phuket-Delhi Flight hits severe turbulence: ફુકેતથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની એક ફ્લાઇટ હવામાં અચાનક ભારે ટર્બ્યુલન્સની ચપેટમાં આવી ગઈ હતી; કેટલાક મુસાફરો અને કેબિન ક્રૂ મેમ્બર્સને સામાન્ય ઇજાઓ પહોંચી હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ફુકેત (Phuket) થી નવી દિલ્હી (New Delhi) આવી રહેલી એર ઇન્ડિયા (Air India) ની ફ્લાઇટમાં મંગળવારે મુસાફરી દરમિયાન અચાનક ભારે ટર્બ્યુલન્સ (હવાના દબાણમાં ફેરફાર) સર્જાતાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં કેટલાક મુસાફરો અને કેબિન ક્રૂ મેમ્બર્સને નાની-મોટી ઇજાઓ (Air India Phuket-Delhi Flight hits severe turbulence) પહોંચી હતી. ફ્લાઇટ AI2379 દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Indira Gandhi International Airport) પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગઈ છે, જ્યાં ઇજાગ્રસ્તોને તબીબી સહાય પૂરી પાડવા માટે એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમો પહેલાથી જ તૈનાત કરવામાં આવી હતી.

અચાનક વિમાનની ઊંચાઈ બદલાઈ

એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, થાઇલેન્ડ (Thailand) ના ફુકેતથી દિલ્હી તરફ આવી રહેલા વિમાને મુસાફરી દરમિયાન ક્ષણભર માટે પોતાની ઊંચાઈ ગુમાવી દીધી હતી. આમ છતાં, વિમાને પોતાની સફર સુરક્ષિત રીતે જ પૂર્ણ કરી હતી અને તમામ મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રીતે બહાર આવ્યા હતા.

એરલાઇન્સે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, કોઈ ગંભીર ઇજા થઈ નથી. જોકે, થોડા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સામાન્ય ઇજાઓ થઈ હોવાથી સાવચેતીના ભાગરૂપે એરપોર્ટ પર સ્થિત મેડિકલ સેન્ટરમાં તેમની પ્રાથમિક સારવાર અને તપાસ કરવામાં આવી હતી.

મુસાફરોએ વર્ણવ્યો ટર્બ્યુલન્સનો ભયાનક અનુભવ

ઘણા મુસાફરોએ આ ક્ષણને  (Air India Phuket-Delhi Flight hits severe turbulence) ખૂબ જ ભયાનક ગણાવી હતી.

એક મુસાફરે સમાચાર એજન્સી એએનઆઈ (ANI) ને જણાવ્યું કે ઉડાન ભર્યાના આશરે દોઢ કલાક પછી આ ઘટના બની હતી. વહેલી સવારનો સમય હોવાથી મોટાભાગના મુસાફરો ઊંઘી રહ્યા હતા, ત્યારે અચાનક વિમાન એક તરફ નમી ગયું અને લગભગ ૨ થી ૩ મિનિટ સુધી તીવ્ર આંચકા અનુભવાયા હતા.

મુસાફરના દાવા મુજબ, આ દુર્ઘટનામાં નાના બાળકો સહિત આશરે ૧૫ થી ૨૦ લોકોને ઇજા થઈ હતી. એરપોર્ટ પરથી વાયરલ થયેલા દ્રશ્યોમાં કેટલાક મુસાફરોને વ્હીલચેર પર લાવવામાં આવી રહ્યા હતા, જ્યારે કેટલાકના માથા પર પટ્ટીઓ બાંધેલી જોવા મળી હતી.

એર ઇન્ડિયા દ્વારા સહાય અને તપાસ શરૂ

એર ઇન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે, મુસાફરો અને ક્રૂની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. એરલાઇને અસરગ્રસ્તોને તમામ જરૂરી તબીબી અને અન્ય સહાય પૂરી પાડી છે.

વધુમાં એરલાઇન્સે જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા આ સમગ્ર ઘટના અંગે સંબંધિત સત્તાવાળાઓ સાથે તપાસમાં પોતાનો પૂર્ણ સહયોગ આપી રહી છે.

તમને જણાવી દઈએ કે, હવામાનમાં અચાનક ફેરફાર, પવનની ગતિ અથવા વાતાવરણની અસ્થિરતાને કારણે ટર્બ્યુલન્સ સર્જાતું હોય છે. આધુનિક વિમાનો તેને સહન કરવા માટે સક્ષમ હોય છે, પરંતુ જો સીટબેલ્ટ ન બાંધ્યો હોય તો મુસાફરોને ઇજા પહોંચી શકે છે.

air india airlines news indira gandhi international airport new delhi thailand national news news