18 June, 2025 02:10 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
ઍર ઇન્ડિયાની ફ્લાઇટ્સ
મંગળવારે અચાનક જ ઍર ઇન્ડિયાની ફ્લાઇટ્સ કૅન્સલ થવાને કારણે લોકોને ઘણી હાલાકી ભોગવવી પડી હતી. ભલે ઍર ઇન્ડિયાએ પૅસેન્જરોને હોટેલ-બુકિંગ, ફ્લાઇટ રીશેડ્યુલિંગ અથવા તો રીફન્ડ માટેના તમામ ઑપ્શન આપ્યા હતા, પરંતુ એનાથી મુસાફરોની હાલાકી ઓછી નહોતી થઈ. સવાલ એ છે કે એ જ દિવસે અચાનક આટલી બધી ફ્લાઇટ્સ કૅન્સલ થવાનું કારણ શું?
વાત એમ છે કે ૧૨ જૂને પ્લેન-ક્રૅશની દુર્ઘટના બાદ ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA) દ્વારા ૧૩ જૂને એક ખાસ નિર્દેશ બહાર પાડવામાં આવ્યો હતો. એમાં ઍર ઇન્ડિયાનાં બોઇંગ ડ્રીમલાઇનર વિમાનોએ ઉડાન પહેલાં વિશેષ સેફ્ટી ઇન્સ્પેક્શનમાંથી પસાર કરવાનું અનિવાર્ય કરવામાં આવ્યું હતું. આ સુરક્ષા-તપાસમાં વિમાનોએ ઉડાનનાં પહેલાં છ ચરણોમાં તપાસ કરવાની હોય છે. ફ્યુઅલ પૅરામીટર મૉનિટરિંગ, કૅબિન ઍર કમ્પ્રેસર સિસ્ટમ, ઇલેક્ટ્રૉનિક એન્જિન કન્ટ્રોલ ટેસ્ટ, એન્જિન ફ્યુઅલ ઍક્ટિવેટર ઑપરેશન, ઑઇલ સિસ્ટમ અને હાઇડ્રોલિક સિસ્ટમની તપાસનો એમાં સમાવેશ થતો હતો. એને કારણે વિમાન લૅન્ડ થયા પછી ફરીથી એને ટેક-ઑફ કરવા વચ્ચેનો સમય વધી ગયો છે. એનાથી ફ્લાઇટ્સ લેટ તો થાય જ છે, પણ કેટલીક ફ્લાઇટ્સ રદ પણ કરવી પડે છે.
હજી પણ કૅન્સલેશન સંભવ છે
જ્યાં સુધી બોઇંગ ડ્રીમલાઇનર ફ્લાઇટને ઉડાન પહેલાં છ સ્તરની તપાસમાંથી પસાર થતાં રહેવું પડશે ત્યાં સુધી આવી રીતે ફ્લાઇટ કૅન્સલેશનની આશંકા રહેશે.