આગરાની કૉલેજે સચિન તેન્ડુલકર અને તેના પુત્રની જાહેરમાં માફી માગી

19 February, 2016 03:36 AM IST  | 

આગરાની કૉલેજે સચિન તેન્ડુલકર અને તેના પુત્રની જાહેરમાં માફી માગી




બિપિન દાણી

આગરાની અંકુર ઇન્ટર કૉલેજે સચિન તેન્ડુલકર અને તેના પુત્ર અર્જુનની જાહેરમાં માફી માગી છે, કારણ કે એના એક સ્ટુડન્ટ અર્જુન સિંહે બારમા ધોરણની સોમવારથી શરૂ થયેલી પરીક્ષામાં અર્જુન તેન્ડુલકરનો ફોટો લગાડેલી પોતાની હૉલટિકિટ સાથે પરીક્ષાહૉલમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો.

અમે આ બનાવની તપાસ કરી રહ્યા છીએ એમ જણાવતાં કૉલેજનાં પ્રિન્સિપાલ મંજુ મિશ્રાના પતિ અંકુર મિશ્રાએ આગરાથી જણાવ્યું હતું કે ‘અર્જુન સિંહને પરીક્ષામાં બેસવા નહોતો દીધો. ત્યાર બાદ તેનો અને તેના કુટુંબીજનોનો કોઈ જ પત્તો નથી અને તેઓ કોઈ અજાણ્યા સ્થળે ચાલ્યાં ગયાં છે.’

કૉલેજનાં પ્રિન્સિપાલ લગ્નપ્રસંગે બહારગામ ગયાં હતાં અને કૉલેજમાં તેમની સાથે જ કામ કરતા તેમના પતિ અંકુર મિશ્રા પહેલાં આ બાબતે વાત કરવા જ રાજી નહોતા, પરંતુ સમજાવટને અંતે તેઓ આ બાબતે વાત કરવા તૈયાર થયા હતા.

અર્જુન મિશ્રાની હૉલટિકિટ પર અમારી કૉલેજનો રબરસ્ટૅમ્પ છે, પણ કોઈની સહી નથી એમ જણાવતાં અંકુર મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે ‘તેણે ઇન્ટરનેટ પરથી અર્જુન તેન્ડુલકરનો ફોટો ડાઉનલોડ કર્યો હતો. કોના કહેવાથી તેણે આ કૃત્ય કર્યું છે એની અમે તપાસ કરીશું. આ કૃત્યને લીધે અમારી કૉલેજનું નામ બગડ્યું છે એનો અમને રંજ છે. હું જાહેરમાં આ બાબતે સચિન અને તેના પુત્ર અર્જુનની માફી માગું છું.’