અનેક રાજ્યોમાં હજીય ભડભડતો પ્રૉટેસ્ટ

19 June, 2022 10:32 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાની વિરુદ્ધ વિરોધનો અગ્નિ હજી શાંત થયો નથી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાની વિરુદ્ધ વિરોધનો અગ્નિ હજી શાંત થયો નથી. ગઈ કાલે પણ દેશનાં અનેક રાજ્યોમાં દેખાવો થયા હતા. પ્રદર્શનકર્તાઓએ મુખ્યત્વે રેલવે પ્રૉપર્ટીને જ નિશાન બનાવી છે.

દરમ્યાન અગ્નિપથ ભરતી યોજનાના વિરોધમાં હિંસા કરી રહેલા યુવાનોને ચેતવણી આપતાં એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ ગઈ કાલે જણાવ્યું હતું કે, તેમને આ પ્રકારની હિંસક પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી. તેમણે હિંસક પ્રદર્શન કરી રહેલા યુવાનોને કહ્યું હતું કે, તેમને પછી મોટું નુકસાન થઈ શકે છે. કેમ કે, ભવિષ્યમાં પોલીસ વેરિફિકેશન ક્લિયર નહીં થાય તો નોકરી પણ નહીં મળે. 
તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, ‘અમે આ પ્રકારની હિંસાને વખોડીએ છીએ. કેમ કે, એ કોઈ સમાધાન નથી. છેલ્લો તબક્કો પોલિસ વેરિફિકેશનનો છે. એટલે જે કોઈ દેખાવોમાં સામેલ હશે તેમને પોલીસ પાસેથી મંજૂરી નહીં મળે.’

હરિયાણા
હરિયાણામાં અગ્નિપથ યોજનાની વિરુદ્ધ સતત વિરોધ-પ્રદર્શન થઈ રહ્યા છે. કેટલાક યુવાનોએ ગઈ કાલે મહેન્દ્રગઢ રેલવે સ્ટેશનની બહાર વાહનને આગ લગાડી હતી.

પંજાબ
પંજાબમાં લુધિયાણા રેલવે સ્ટેશનની અંદર ૫૦થી વધુ પ્રદર્શનકર્તાઓએ હંગામો મચાવ્યો હતો. તેમણે પ્રૉપર્ટીને નુકસાન પહોંચાડ્યું હતું. 

રાજસ્થાન
રાજસ્થાનમાં ગઈ કાલે પણ અનેક જગ્યાએ વિરોધ-પ્રદર્શનો થયાં હતાં. અલવર જિલ્લાના સેંકડો લોકોએ જયપુર- દિલ્હી નૅશનલ હાઇવે જૅમ કર્યો હતો. અહીં પ્રદર્શનકર્તાઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. 

તામિલનાડુ
તામિલનાડુમાં ચેન્નઈમાં વૉર મેમોરિયલની પાસે કેટલાક યુવાનો દેખાવો કરી રહ્યા હતા. પોલીસે કેટલાક યુવાનોની અટકાયત કરી હતી. 

ગુજરાત

ગુજરાતના જામનગરમાં પણ અગ્નિપથનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગઈ કાલે અહીં હજારોની સંખ્યામાં યુવાનો એકત્ર થયા હતા. અહીં પોલીસ અને પ્રદર્શનકર્તાઓની વચ્ચે ઘર્ષણ પણ થયું હતું, જેના લીધે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. પ્રદર્શન કરી રહેલા કેટલાક યુવાનોની અટકાયત પણ કરવામાં આવી હતી. જોકે આખરે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ માગણી પહોંચાડવામાં આવશે એવી પ્રદર્શનકર્તાઓને ખાતરી આપવામાં આવ્યા બાદ સ્થિતિ કન્ટ્રોલમાં આવી હતી.

national news