અગ્નિપથ પર ચાલવા અહિંસા અનિવાર્ય

20 June, 2022 09:12 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તમામ ઉમેદવારોએ બાંયધરી આપવી પડશે કે તેઓ ક્યારેય કોઈ પણ હિંસક પ્રદર્શન કે આગચંપીમાં સામેલ નહોતા થયા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

આર્મ્ડ ફોર્સિસના સિનિયર અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે હિંસક પ્રદર્શન કરી રહેલા યુવાનોને આર્મ્ડ ફોર્સમાં ભરતી માટે પોલીસ ક્લિયરન્સ નહીં મળે, એટલે કે તેમની ભરતી નહીં થાય. હવે આર્મ્ડ ફોર્સના ટોચના અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું કે અગ્નિપથ ભરતી યોજના માટે અરજી કરનાર વ્યક્તિઓએ બાંયધરી આપવી પડશે કે તેઓ દેશભરમાં ફેલાયેલા કોઈ પણ હિંસક વિરોધ-પ્રદર્શન કે આગ લગાડવાની ઘટનામાં સામેલ નહોતા.

આર્મી, નેવી અને ઍરફોર્સના ટોચના અધિકારીઓએ ગઈ કાલે આ મામલે મીડિયાને સંબોધન કર્યું હતું. લશ્કરી બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કહ્યું હતું કે ‘તમામ ઉમેદવારોએ બાંયધરી આપવી પડશે કે તેઓ ક્યારેય કોઈ પણ હિંસક પ્રદર્શન કે આગચંપીમાં સામેલ નહોતા.’

‘અગ્નિવીર’ તરીકે સિલેક્શન માટે વિચાર કરવામાં આવે એ પહેલાં તમામ અરજીકર્તાઓનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવશે એ વાત પર ભાર મૂકતાં તેમણે કહ્યું હતું કે ‘અમને આ યોજનાને લઈને તાજેતરમાં જે પ્રકારની હિંસા થઈ એની ધારણા નહોતી. આર્મ્ડ ફોર્સમાં ગેરશિસ્ત માટે કોઈ સ્થાન નથી. જો કોઈ ઉમેદવારની વિરુદ્ધ કોઈ પણ એફઆઇઆર હશે તો તેને અગ્નિવીર તરીકે સ્થાન નહીં મળે.’

ટેક્નૉસૅવી યુવાનોની જરૂર

૧. લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આ યોજના કોઈ પણ સ્થિતિમાં પાછી ખેંચી લેવામાં નહીં આવે. તેમણે કહ્યું કે આર્મીમાં ભરતી થવા માટે સૌથી જરૂરી શિસ્ત છે એટલે યુવાનોએ શાંત રહીને યોજનાને સમજવી જોઈશે. 
૨. આર્મ્ડ ફોર્સિસની આ પત્રકાર-પરિષદમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે યુથ સૌથી વધુ રિસ્ક લે છે. તેમની અંદર પૅશન હોય છે. તેમના આ પૅશનને કૅપ્ચર કરવા માટે આ યોજના છે.
૩. આ અધિકારીઓએ જણાવ્યું હતું કે હવે યુદ્ધ ટૅન્ક કરતાં ડ્રોનથી વધારે લડાય છે. ટેક્નૉસૅવી યુવાનો આર્મ્ડ ફોર્સિસ માટે ખૂબ ઉપયોગી પુરવાર થઈ શકે છે. 
૪. આ પત્રકાર-પરિષદમાં દેશભરમાં ઉગ્ર આંદોલન ઉશ્કેરવામાં કોચિંગ સેન્ટર્સની ભૂમિકા સામે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. નોંધપાત્ર છે કે અત્યારે બિહાર, આંધ્ર પ્રદેશ અને તેલંગણમાં વિરોધ-પ્રદર્શન બદલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ રડાર પર છે.  
૫. આ યોજનાનો એક હેતુ આર્મ્ડ ફોર્સીસમાં યુવાનો અને અનુભવીઓ વચ્ચે સંતુલન જાળવવાનો છે.

national news