ભારતીય વડા પ્રધાનને આવકારવા ઑસ્ટ્રેલિયા થાય છે સજ્જ

22 October, 2014 05:17 AM IST  | 

ભારતીય વડા પ્રધાનને આવકારવા ઑસ્ટ્રેલિયા થાય છે સજ્જ



વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા ઑસ્ટ્રેલિયામાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. મોદી ૧૭ નવેમ્બરે સિડનીમાં ભારતીય મૂળના લોકોના વિશાળ સમૂહને સંબોધન કરવાના છે. આ કાર્યક્રમ માટે મહેમાનોને ઑસ્ટ્રેલિયાભરમાંથી લાવવા માટે મેલબર્નથી મોદી એક્સપ્રેસ નામની સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવશે.

બ્રિસ્બેનમાં ગ્રુપ ઑફ ટ્વેન્ટીના નેતાઓની શિખર પરિષદમાં હાજરી આપ્યા બાદ નરેન્દ્ર મોદી સિડનીના વિખ્યાત ઑલિમ્પિક પાર્કમાં ભારતીય મૂળના તેમ જ ઑસ્ટ્રેલિયાના હજારો લોકોને સંબોધન કરવાના છે. કોઈ ભારતીય વડા પ્રધાન ૨૮ વર્ષ બાદ આ વખતે ઑસ્ટ્રેલિયાની મુલાકાત લેવાના છે ત્યારે આ ભવ્ય સમારંભ ઇન્ડિયન ઑસ્ટ્રેલિયન કમ્યુનિટી ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવશે.

અંદાજે ૫૦૦ કમ્યુનિટી અસોસિએશનોએ રજિસ્ટ્રેશન માટે અપ્લાય કરી છે અને ૨૦૦થી વધુને મંજૂરી આપી દેવામાં આવી છે. આશરે ૧૩,૦૦૦ લોકો આ કાર્યક્રમમાં હાજર રહેશે એવી આયોજકોની ધારણા છે. આ કાર્યક્રમ અમેરિકાના મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે યોજાયેલા મોદીના ભવ્ય સત્કાર સમારંભના પુનરાવર્તન સમાન હશે એવું આયોજકોએ જણાવ્યું હતું.