સુપ્રીમના ચુકાદા બાદ પણ પક્ષકારો પાસે છે રિવ્યુ પિટિશનનો વિકલ્પ

10 November, 2019 01:00 PM IST  |  New Delhi

સુપ્રીમના ચુકાદા બાદ પણ પક્ષકારો પાસે છે રિવ્યુ પિટિશનનો વિકલ્પ

સુપ્રીમ કોર્ટનો અયોધ્યા પર ઐતિહાસીક ચુકાદો

(જી.એન.એસ.) રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ અંગે શનિવારે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેંસલો આપતાં વિવાદિત સ્થાન મંદિર માટે કેન્દ્ર સરકારને સોંપ્યું છે. અલબત્ત, બે સદી જૂના આ વિવાદમાં હજી આ ચુકાદો પણ અંતિમ નહીં હોય. ચુકાદાથી અસંતુષ્ટ પક્ષકારો હજી પણ રિવ્યુ પિટિશન દાખલ કરી શકે છે. રિવ્યુ પિટિશન એટલે કે પુનઃ વિચારણા અરજી કે જે આ ખંડપીઠ સમક્ષ જ આવે છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની ખંડપીઠ દ્વારા આ સુનવણી વિશે ચુકાદો આપ્યા બાદ પક્ષકારોની રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવે તો એવા સંજોગોમાં સુનાવણી કરવી કે નહીં એ અંગે સુપ્રીમે નક્કી કરવાનું રહેશે.

રિવ્યું પિટિશન પર ખુલ્લી કોર્ટમાં સુનવણી થતી નથી
સામાન્ય રીતે રિવ્યુ પિટિશન વિશે ખુલ્લી કોર્ટમાં સુનાવણી થતી નથી, પરંતુ ચેમ્બરમાં થાય છે. જો અરજદાર ઓપન કોર્ટમાં સુનાવણી કરવા માટે વિનંતી કરે અને કોર્ટ આ માટે તૈયાર થાય તો ઓપન કોર્ટમાં સુનાવણી થઈ શકે છે. આ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ ઓપન કોર્ટમાં સુનવણી માટે તારીખ આપશે.

આ પણ વાંચો : રામજન્મભૂમિ આંદોલનની શરૂઆત ગોરખનાથ મંદિરથી થયેલી

ત્યાર બાદ બીજો વિકલ્પ ક્યુરેટિવ પિટિશનનો હોય છે
એ પછી બીજો વિકલ્પ ક્યુરેટિવ પિટિશનનો છે. આ અરજીમાં મૂળ ચુકાદા સામે પુનઃ વિચારણા થઈ શકતી નથી, પરંતુ એમાં સામેલ કેટલીક જોગવાઈઓ અંગે પુનઃ વિચારણાની અરજી પક્ષકારો દાખલ કરી શકે છે. આમ, હજી પણ આ વિવાદનો પૂર્ણતઃ અને કાયમી નીવેડો આવી ગયો એમ માનવું વહેલું ગણાશે.

ayodhya ayodhya verdict supreme court