મંદિરમાં નમાઝ પઢયા બાદ મથુરાના ઈદગાહમાં ચાર યુવકોએ વાંચી હનુમાન ચાલીસા

03 November, 2020 07:10 PM IST  |  Agra | Gujarati Mid-day Online Correspondent

મંદિરમાં નમાઝ પઢયા બાદ મથુરાના ઈદગાહમાં ચાર યુવકોએ વાંચી હનુમાન ચાલીસા

પોલીસે ચારેય યુવાનોની ધરપકડ કરી છે

ઉત્તર પ્રદેશના મથુરા સ્થિત ગોવર્ધનના ઇદગાહમાં હનુમાન ચાલીસાનું પઠન કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ ઘટના માટે ચાર લોકોની શાંતિ ભંગ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. તાજેતરમાં જ નંદગામના નંદબાબ મંદિરમાં બે મુસ્લિમ યુવકોએ નમાજ પઢતા ખળભળાટ મચી ગયો હતો. જો કે, આ ઘટના બાદ બંન્ને યુવકોની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં મોકલવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, આ ઘટનાના પડઘા હજી શાંત પડ્યા નથી ત્યાં ગોવર્ધનમાં ચાર યુવકોએ બરસાના રોડ સ્થિત ઇદગાહમાં હનુમાન ચાલીસાનું વાંચન કર્યું હતું.

ગોવર્ધનમાં રહેતા ચાર યુવકો સૌરભ લંબરદાર, રાઘવ મિત્તલ, કાન્હા ઠાકુર, કૃષ્ણા ઠાકુર ઇદગાહ પરિસરમાં પહોંચ્યા અને હનુમાન ચાલીસા વાંચીને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ ઘટના સોશ્યલ મીડિયામાં પ્રસરી જતાં ચકચાર મચ્ચયો હતો અને સ્થાનિક પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ યુવકોની ધરપકડ કરી હતી. 

એસએસપી ડો.ગૌરવ ગ્રોવરે જણાવ્યું હતું કે મથુરાને હિન્દુ-મુસ્લિમ સૌહાર્દના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે અને આવી સ્થિતિમાં કોઈપણ સમુદાયના કોઈપણ વ્યક્તિને શાંતિ ખલેલ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આવા કામ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તે જ સમયે, મથુરાના ડીએમ, સર્વજ્ઞ રામ મિશ્રાએ કહ્યું કે કાયદાથી મોટો કોઈ નથી. કોઈપણ વ્યક્તિએ કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ફેલાવવાનો પ્રયાસ કરવો જોઇએ નહીં. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

national news uttar pradesh agra mathura