જમીન પછી ભારતની દરિયાઈ સીમામાં પણ ચીનની ઘૂસણખોરી

14 May, 2013 05:46 AM IST  | 

જમીન પછી ભારતની દરિયાઈ સીમામાં પણ ચીનની ઘૂસણખોરી


જમ્મુ-કાશ્મીરમાં લદ્દાખ સરહદે ચીનની ઘૂસણખોરીનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં ભારતની સમુદ્રી સીમામાં પણ ચીનનું નૌકાદળ ઘૂસણખોરી કરી રહ્યું હોવાના અહેવાલો બહાર આવ્યા છે. આજથી શરૂ થઈ રહેલી નૌકાદળના ટોચના કમાન્ડરોની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. છેલ્લા કેટલાક વખતથી ભારતના દરિયાઈ વિસ્તારોમાં ચાઇનીઝ નેવીનાં જહાજો અને સબમરીનની સંખ્યામાં વધારો થયો છે. ભારતીય નૌકાદળે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતો અહેવાલ સંરક્ષણ મંત્રાલયને સોંપ્યો હતો.

નૌકાદળના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકન એજન્સીઓના જણાવ્યા પ્રમાણે ભારતની દરિયાઈ સીમા નજીક છેલ્લા કેટલાક મહિનામાં બાવીસ વખત ચાઇનીઝ સબમરીનો જોવા મળી હતી. એટલું જ નહીં, ભારતની નજીક કેટલાંક સ્થળે બંદરો સ્થાપવામાં પણ ચીન સફળ થયું છે, જેમાં બંગલા દેશના ચિત્તગોંગ તથા મ્યાનમારના કોકો આઇલૅન્ડ અને શ્રીલંકાના હમ્બાનોતા ખાતેના પોર્ટનો સમાવેશ થાય છે. ચાઇનીઝ નેવીએ પાકિસ્તાનના ગ્વાદર બંદરે પણ પોતાનું થાણું સ્થાપ્યું છે.

ભારતીય નૌકાદળના અહેવાલ મુજબ છેલ્લા કેટલાક વખતમાં ચાઇનીઝ નેવીની વધતી સક્રિયતા ભારત માટે ચિંતાની બાબત છે. એક રીતે જોવા જઈએ તો ભારતની દરિયાઈ સીમામાં ત્રણે બાજુએ ચીનની ઉપસ્થિતિ થઈ ગઈ છે. નૌકાદળના કમાન્ડરોની બેઠકમાં સંરક્ષણપ્રધાન એ. કે. એન્ટની સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવે એવી શક્યતા છે.