ખુરશીદ પછી હવે મનીષ તિવારીની બુકમાંથી પણ નીકળ્યો બૉમ્બ

24 November, 2021 01:00 PM IST  |  New Delhi | Agency

બુકમાં લખાયું છે, ૨૬/૧૧ના હુમલાઓ બાદ ભારતે પાકિસ્તાનને ત્વરિત જવાબ આપવાની જરૂર હતી

ખુરશીદ પછી હવે મનીષ તિવારીની બુકમાંથી પણ નીકળ્યો બૉમ્બ

કૉન્ગ્રેસ છેલ્લા કેટલાક સમયથી પુસ્તકને લઈને ઘેરાઈ રહી છે. આ પહેલાં સલમાન ખુરશીદના અયોધ્યા વિશેના પુસ્તકમાં હિન્દુત્વની સરખામણી આતંકવાદી જૂથોની સાથે કરાતાં વિવાદ થયો હતો અને હવે કૉન્ગ્રેસના એમપી મનીષ તિવારીના નવા પુસ્તકને લઈને ઊહાપોહ મચી ગયો છે. આ પુસ્તકમાં આ નેતાએ લખ્યું છે કે ૨૬/૧૧ના મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાઓ બાદ ભારતે પાકિસ્તાનને ત્વરિત જવાબ આપવાની જરૂર હતી. 
‘૧૦ ફ્લેશ પૉઇન્ટ્સ : ૨૦ યર્સ-નૅશનલ સિક્યૉરિટી સિચુએશન્સ ધેટ ઇમ્પેક્ટેડ ઇન્ડિયા’ નામના આ પુસ્તક વિશે તિવારીએ ટ્વીટ કર્યું હતું કે ‘છેલ્લા બે દશકમાં ભારતે સામનો કરેલા રાષ્ટ્રીય સુરક્ષા વિશેના દરેક મુખ્ય પડકાર વિશે નિષ્પક્ષતાથી સંશોધન કર્યું છે.’
તિવારીએ આ પુસ્તકના અંશ શૅર કર્યા હતા જેમાં વાંચવા મળ્યું હતું કે ‘એવો સમય આવે છે કે જ્યારે શબ્દો કરતાં ઍક્શન્સ અચૂક વધુ બોલવી જોઈએ. ૨૬/૧૧ આવો જ સમય હતો કે જ્યારે એમ જ કરવાની જરૂર હતી. આ મારો ખૂબ વિચારપૂર્વકનો અભિપ્રાય છે કે ૨૬/૧૧ના પગલે એ દિવસોમાં જ ભારતે ઝડપથી જવાબ આપવાની જરૂર હતી.’
સ્વાભાવિક રીતે બીજેપીએ ટીકા કરી 
સ્વાભાવિક રીતે આ બુકના અંશો જાહેર કરાયા બાદ વિવાદ થયો. મુંબઈમાં ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલાની કૉન્ગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારની પ્રતિક્રિયાની બીજેપીએ આકરી ટીકા કરી હતી. 
બીજેપીના આઇટી સેલના ચીફ અમિત માલવિયાએ ટ્વીટ કર્યું હતું કે ‘સલમાન ખુરશીદ પછી બીજા એક કૉન્ગ્રેસ લીડરે પોતાની બુક વેચવા માટે યુપીએને જ મુશ્કેલીમાં મૂકી. મનીષ તિવારીએ તેમની નવી બુકમાં ૨૬/૧૧ પછી સંયમના નામે નબળાઈ બદલ યુપીએ સરકારની ટીકા કરી હતી. ઍર ચીફ માર્શલ ફલી મેજરે ઑલરેડી રેકૉર્ડ પર કહ્યું છે કે ઇન્ડિયન ઍરફોર્સ સ્ટ્રાઇક કરવા માટે રેડી હતી, પરંતુ યુપીએએ ના પાડી હતી.’ 
સિનિયર બીજેપી લીડર શાહનવાઝ હુસૈને પણ કહ્યું હતું કે ‘એ સમયે મનમોહન સિંહની સરકાર હતી. તેઓ વડા પ્રધાન હતા અને સોનિયા ગાંધી યુપીએના અધ્યક્ષ હતાં. ૨૬/૧૧ મોટી ઘટના હતી અને એ સમયે જે ઍક્શન લેવાની જરૂર હતી એ ન લેવાઈ. મનીષ તિવારી જે કહી રહ્યા છે એ સાચી વાત છે.’
નોંધપાત્ર છે કે ૨૬/૧૧ના હુમલાઓમાં ૧૬૦થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. નવ આતંકવાદીઓ ઠાર મરાયા હતા, જ્યારે એકમાત્ર અટૅકર અજમલ કસાબની ધરપકડ કરવામાં આવી હતી જેને ૨૦૧૨ની ૧૧ નવેમ્બરે ફાંસી આપવામાં આવી હતી. 

મનીષ તિવારીની વિરુદ્ધ ઍક્શન લેવાઈ શકે

મનીષ તિવારીએ આ પહેલાં પણ કૉન્ગ્રેસની વિરુદ્ધ સૂર વ્યક્ત કર્યો છે. આ પહેલાં તેમણે પંજાબ કૉન્ગ્રેસમાં વ્યાપેલી અવ્યવસ્થા સામે ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં કૉન્ગ્રેસના નેતાઓ હિન્દુત્વની વ્યાખ્યા મામલે સલમાન ખુરશીદનો બચાવ કરી રહ્યા હતા ત્યારે મનીષ તિવારીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે ‘હું કૉન્ગ્રેસમાં હિન્દુત્વની આ ડિબેટથી સ્પષ્ટ રીતે ભ્રમિત છું.’ હવે જ્યારે તેમની આ નવી બુકના કેટલાક અંશોમાં સ્પષ્ટ રીતે યુપીએ સરકારની ટીકા કરાઈ છે ત્યારે તેમની વિરુદ્ધ ઍક્શન લેવાઈ શકે છે એમ માનવામાં આવી રહ્યું છે. આ બુકના અંશો જાહેર થયા બાદ એ. કે. એન્ટની સોનિયા ગાંધીને મળવા ગયા હતા. એ. કે. એન્ટની કૉન્ગ્રેસ શિસ્ત સમિતિના વડા છે. 

national news