પરાસ્ત ‍અરવિંદ કેજરીવાલ ૧૦ દિવસની વિપશ્યના સાધનામાં જતા રહ્યા

06 March, 2025 12:41 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પંજાબમાં એક ગેસ્ટહાઉસ ખાતે કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને એ સમયે ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો.

અરવિંદ કેજરીવાલ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમો પરાજય મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ મંગળવારે સાંજે ૧૦ દિવસની વિપશ્યના સાધના માટે પંજાબના હોશિયારપુર ગયા હતા. કેજરીવાલના કાફલામાં ૨૦ કાર હતી અને તેમની સુરક્ષામાં પંજાબ પોલીસના ૧૦૦થી વધારે કમાન્ડો તહેનાત હતા. આ કાફલાનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આને કારણે ભારતીય જનતા પાર્ટી (BJP)એ સવાલ કર્યો હતો કે આવો તમાશો શા માટે? આટલું લાવલશ્કર શા માટે?

હોશિયારપુરના આનંદગઢના ધમ્મ ધજમાં બુધવારથી ૧૦ દિવસની વિપશ્યના ધ્યાન શિબિરમાં તેઓ ભાગ લેશે.

પંજાબમાં એક ગેસ્ટહાઉસ ખાતે કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને એ સમયે ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો.

કેજરીવાલની સિક્યૉરિટી ટ્રમ્પ કરતાં પણ વધારે : સ્વાતિ માલીવાલ


AAPનાં રાજ્યસભાનાં સંસદસભ્ય સ્વાતિ માલીવાલે કેજરીવાલની સિક્યૉરિટી વિશે સવાલ કર્યો હતો અને કહ્યું હતું કે ‘અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ કરતાં પણ તેમની સિક્યૉરિટી વધારે છે. કેજરીવાલ આખા વિશ્વમાં VIP કલ્ચરના વિરોધમાં હતા, પણ આજે તેઓ ડોનલ્ડ ટ્રમ્પ કરતાં વધારે સિક્યૉરિટી-કવર લઈને ફરે છે.’

new delhi delhi elections arvind kejriwal aam aadmi party punjab bharatiya janata party political news national news news