આજે લોકસભાના સ્પીકરપદની ચૂંટણી : સર્વસંમતિની પરંપરા તૂટી

26 June, 2024 07:35 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સત્તાધારી NDAના ઓમ બિરલા અને કૉન્ગ્રેસના ઉમેદવાર કે. સુરેશ વચ્ચે મુકાબલો

ઓમ બિરલા, કે. સુરેશ

દશકાઓ બાદ આજે સવારે ૧૧ વાગ્યે લોકસભામાં સ્પીકરપદ માટે ચૂંટણી થવાની છે. સત્તાધારી નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ના ઉમેદવાર અને ગઈ લોકસભાના સ્પીકર ઓમ બિરલાનો મુકાબલો કૉન્ગ્રેસના ઉમેદવાર કે. સુરેશ સામે થશે. BJPના ઓમ બિરલા રાજસ્થાનના કોટાથી ત્રણ વાર સંસદસભ્ય તરીકે ચૂંટાયા છે, જ્યારે કે. સુરેશ અઢારમી સંસદના સૌથી પીઢ સંસદસભ્ય છે અને આઠ ટર્મથી ચૂંટાઈ આવે છે. આ વખતે તેઓ કેરલાની માવેલિકારા બેઠક પરથી ચૂંટાયા છે.

સત્તાધારી પક્ષ અને વિપક્ષો વચ્ચે સ્પીકરપદના નામ પર સર્વસંમતિ નહીં બનવાને કારણે આ ચૂંટણી યોજાઈ રહી છે. લોકસભામાં સાદી બહુમતીથી સ્પીકર ચૂંટાશે અને એમાં ઓમ બિરલાની જીત નિશ્ચિત છે. લોકસભામાં સત્તાધારી NDA પાસે ૨૯૩ સંસદસભ્યો છે, જ્યારે વિપક્ષી ગઠબંધન પાસે ૨૩૨ સંસદસભ્યો છે.

વિપક્ષની માગણી હતી કે જો સત્તાધારી પક્ષ સ્પીકરપદ રાખે તો વિપક્ષને ડેપ્યુટી સ્પીકર પદ આપવું જોઈએ. જોકે BJPએ આમ કરવાનો ઇનકાર કરી દીધો એટલે કૉન્ગ્રેસના કે. સુરેશે ગઈ કાલે બપોરે છેક છેલ્લી ઘડીએ ૧૧.૫૦ વાગ્યે તેમની ઉમેદવારી નોંધાવી હતી. કે. સુરેશે મીડિયાને કહ્યું હતું કે આ મારો નહીં, પાર્ટીનો નિર્ણય છે. એવી પરંપરા રહી છે કે સત્તાધારી પાર્ટીનો સ્પીકર હોય તો ડેપ્યુટી સ્પીકર વિપક્ષનો હોય છે. BJP આ માટે તૈયાર નથી. જોકે આ મુદ્દે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે વિપક્ષના સંસદસભ્યને ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવે એવો કોઈ નિયમ નથી.
યાદ રહે કે મોદી સરકારના કાર્યકાળમાં ૨૦૧૪થી ૨૦૧૯ વચ્ચે ૧૬મી લોકસભામાં ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (AIADMK)ના નેતા એમ. થંબીદુરાઈ લોકસભાના ડેપ્યુટી સ્પીકર હતા. તેઓ સત્તાધારી ગઠબંધનના સાથી હતા. જોકે ૨૦૧૯થી ૨૦૨૪ વચ્ચે ૧૭મી લોકસભામાં આ પદ ખાલી રહ્યું હતું.

national news Lok Sabha national democratic alliance delhi new delhi