દેશમાં કોરોના બાદ બર્ડ ફ્લૂનો આતંક, અનેક રાજ્યોમાં ચેપ જોવા મળ્યો

06 January, 2021 02:24 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દેશમાં કોરોના બાદ બર્ડ ફ્લૂનો આતંક, અનેક રાજ્યોમાં ચેપ જોવા મળ્યો

ફાઈલ તસવીર

હિમાચલ પ્રદેશથી છેક કેરળ સુધી ઠેરઠેર બર્ડ ફ્લૂનો આતંક જોવા મળ્યો હતો. લેટેસ્ટ માહિતી મુજબ હરિયાણામાં બર્ડ ફ્લૂના પગલે એક લાખ મરઘી મરેલી મળી આવી હતી.

બર્ડ ફ્લૂનો ચેપ સૌપ્રથમ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જોવા મળ્યો હતો ત્યારબાદ એ ચેપ અન્ય સ્થળોએ ફેલાવા માંડ્યો હતો. હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને હવે કેરળમાં પણ બર્ડ ફ્લૂ જોવા મળ્યો હોવાના અહેવાલ હતા. આવું બનતાં રાજ્ય સરકારોએ રેડ અલર્ટ જાહેર કરી હતી. કેરળે તો આને રાજકીય આફત જાહેર કરી છે.

મધ્ય પ્રદેશમાં છેલ્લા દસ દિવસમાં આશરે ૬૦૦ કાગડા મરેલા મળી આવ્યા હતા. એમાંય સૌથી વધુ મોત ઇંદોરમાં જોવા મળ્યાં હતાં. રાજ્યના પશુપાલન ખાતાના પ્રધાન પ્રેમ સિંઘે મીડિયાને કહ્યું કે મરેલા કાગડાના અંશો ડીઆઇ લેબમાં મોકલાયા હતા. મંદસૌર વિસ્તારમાં મરેલા કાગડામાં બર્ડ ફ્લૂ હોવાના પુરાવા મળી ગયા હતા.

મોટે ભાગે પોલ્ટ્રી ક્ષેત્રના લોકોમાં આ રોગ ઝડપભેર ફેલાઈ શકે છે. કેરળમાં બતકો મરેલી મળી આવી હતી. હિમાચલ પ્રદેશમાં કાંગડા વિસ્તારમાં પોંગ બંધ વિસ્તારમાં વિદેશથી આવેલાં હજારો પક્ષીઓ મરેલાં મળી આવ્યાં હતાં. ત્યારબાદ પોંગ ડેમ વિસ્તારમાં ઇંડાં અને માંસ વેચવા પર તત્કાળ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

હવે હરિયાણાના બરવાલા વિસ્તારમાં રહસ્યમય રીતે એક લાખ મરઘી મરેલી જોવા મળી હોવાના અહેવાલે દહેશતનું વાતાવરણ સર્જ્યું હતું. ૧૧૦ પૉલ્ટ્રી ફાર્મમાંની બે ડઝન પૉલ્ટ્રી ફાર્મમાં મરઘી ટપોટપ મરણ પામી હતી. રાજ્યના પશુપાલન વિભાગે મરેલી મરઘીના અંશો જાલંધરની રિજ્યોનલ ડિસીઝ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીમાં મોકલ્યા હતા.

ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાંટવા નજીક એક સાથે ૫૩ પક્ષી મરેલાં મળી આવ્યાં હતાં. આ રિપોર્ટ મળતાં વન વિભાગની ટુકડી ત્યાં પહોંચી ગઈ હતી અને મરેલાં પક્ષીઓના પોસ્ટમૉર્ટમ માટેની વ્યવસ્થા હાથ ધરી હતી.

અત્યારે હજી કોરોનાની રસી આપવાની વ્યવસ્થા થઈ રહી હતી ત્યાં બર્ડ ફ્લૂના રિપોર્ટ આવ્યા હતા. આ રોગ પક્ષીઓ દ્વારા માણસમાં ફેલાતો હોય છે.

national news