અમે કોઈ સમૂહને અમારી જમીનનો ઉપયોગ બીજાની વિરુદ્ધમાં કરવા માટેની પરવાનગી નહીં આપીએ

11 October, 2025 09:13 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતની મુલાકાતે આવેલા અફઘાનિસ્તાનના વિદેશપ્રધાને બગરામ ઍરસ્પેસ બાબતે સ્પષ્ટ કહ્યું... અફઘાનિસ્તાનના ઘનિષ્ઠ મિત્ર તરીકે ભારતના ટેક્નિકલ મિશનને કાબુલમાં દૂતાવાસનો દરજ્જો આપવામાં આવશે

અફઘાનિસ્તાનના વિદેશપ્રધાન અમીર ખાન મુત્તાકી હાલમાં ભારત આવ્યા છે

અફઘાનિસ્તાનના વિદેશપ્રધાન અમીર ખાન મુત્તાકી હાલમાં ભારત આવ્યા છે. ગઈ કાલે ભારતના વિદેશપ્રધાન ડૉ. એસ. જયશંકર સાથેની મુલાકાત દરમ્યાન તેમણે ભારતને ઘનિષ્ઠ મિત્ર ગણાવ્યું હતું. અમીર ખાન મુત્તાકીએ કહ્યું હતું કે ‘અફઘાનિસ્તાનમાં હાલમાં જ આવેલા ભૂકંપ વખતે ભારતે સૌથી પહેલી પ્રતિક્રિયા આપી હતી. અફઘાનિસ્તાન ભારતને ઘનિષ્ઠ મિત્ર માને છે. અમે આપસી સન્માન, વ્યાપાર અને પરસ્પર આધારિત સંબંધો ઇચ્છીએ છીએ. અમે પારસ્પરિક સમજનું એક પરામર્શ તંત્ર બનાવવા માટે તૈયાર છીએ જે આપણા સંબંધોને મજબૂત કરવામાં મદદ કરશે. ભારત અને પાકિસ્તાને આપસમાં સંપર્ક અને આદાન-પ્રદાન વધારવાં જોઈએ.’

ભારતે કાબુલમાં ટેક્નિકલ મિશનને દૂતાવાસનો દરજ્જો આપવાની ઘોષણા કરી હતી જે બન્ને દેશો માટે બહુ મોટું અને મહત્ત્વપૂર્ણ રાજનીતિક પગલું છે. ભારતીય વિદેશપ્રધાન ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે મને આજે કાબુલસ્થિત ભારતના ટેક્નિકલ મિશનને ભારતીય દૂતાવાસના સ્તરનો દરજ્જો આપવાની જાહેરાત કરવાની ખુશી છે.‍

ભારતની મુલાકાતે આવેલા અફઘાનિસ્તાનના વિદેશપ્રધાન અમીર ખાન મુત્તાકીએ બગરામ ઍરબેઝના મુદ્દે કહ્યું હતું કે ‘બગરામ ઍરબેઝ કોઈને આપવામાં આવશે નહીં. અમે કોઈ સમૂહને અમારી જમીનનો ઉપયોગ બીજાની વિરુદ્ધમાં કરવા માટેની પરવાનગી નહીં આપીએ. જો કોઈ અફઘાનિસ્તાન સાથે સંબંધો સ્થાપિત કરવા માગતું હોય તો તેણે લશ્કરી ગણવેશમાં નહીં, રાજદ્વારી રીતે આવવું જોઈએ.’

afghanistan s jaishankar india taliban national news international news world news news