રામમંદિર પર કોર્ટના નિર્ણય પહેલાં દરેક રાજ્યો માટે ઍડ્વાઈઝરી જાહેર

08 November, 2019 12:12 PM IST  |  New Delhi

રામમંદિર પર કોર્ટના નિર્ણય પહેલાં દરેક રાજ્યો માટે ઍડ્વાઈઝરી જાહેર

અયોધ્યામાં રાહદારીની બેગની ચકાસણી કરતા પોલીસ: તસવીર: પી.ટી.આઈ.

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં નિર્ણય પહેલાં અયોધ્યામાં તંત્ર સંપૂર્ણપણે અલર્ટ છે. પંચકોસી પરિક્રમાને લઈને અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. ડ્રોનથી અયોધ્યા શહેરમાં બાજનજર રાખવામાં આવી રહી છે. અયોધ્યાના દરેક વિસ્તારમાં ફોર્સ તહેનાત કરવામાં આવી છે.
અયોધ્યામાં સ્થાનિક તંત્રએ ઘણી શાંતિ સમિતિઓ બનાવી છે જે જિલ્લાના ગામડાંઓમાં જઈને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરશે. બહારના જિલ્લાઓમાં મોટી સંખ્યામાં અસ્થાયી જેલ-પરિસરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. શાળા અને ખાનગી ઈમારતોને અસ્થાયી જેલ માટે ચિન્હિત કરવામાં આવી છે.
ગૃહમંત્રાલય સાથે જોડાયેલા સૂત્રો પાસેથી ખબર મળી છે કે સુપ્રીમ કોર્ટના અયોધ્યા મુદ્દે નિર્ણય જોતા ગૃહમંત્રાલયે દરેક રાજ્યો માટે અૅડ્વાઈઝરી જાહેર કરી છે. દરેક રાજ્યોને નિર્ણય માટે અલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા છે. સુરક્ષાના ચાંપતા બંદોબસ્ત માટે ગૃહમંત્રાલયે અર્ધસૈનિક દળોની ૪૦ કંપની મોકલી છે. જેમાં ચાર હજાર પેરા મિલિટરી ફોર્સના જવાન સામેલ છે.

તીન તલાક મુદ્દે ક્યાં તોફાનો થયાં હતાં?,ચુકાદા બાદ રમખાણ નહીં થાય : ઇન્દ્રેશ કુમાર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતા ઇન્દ્રેશ કુમારે કહ્યું હતું કે ‘અયોધ્યા મુદ્દે હિન્દુઓની તરફેણમાં ચુકાદો આવે તો પણ હિંસક તોફાનો નહીં થાય. તીન તલાક મુદ્દે તોફાનો ક્યાં થયાં હતાં. સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપે એ સર્વોચ્ચ હોય છે. સુપ્રીમ કોર્ટ કોઈ કોમ કે ધર્મને આધારે કામ કરતી નથી. એનો ચુકાદો સૌને સ્વીકાર્ય હોવો જોઈએ. દેશના તમામ લોકો પહેલાં પોતાને ભારતીય તરીકે જુએ છે. ત્યારબાદ હિન્દુ, મુસ્લિમની વાત આવે. દરેક નાગરિક દેશમાં શાંતિ જળવાઈ રહે એમ ઇચ્છે છે એટલે સુપ્રીમ કોર્ટના અયોધ્યા વિશેના ચુકાદાથી અશાંતિ નહીં ફેલાય એવું મારું માનવું છે.
તેમણે કહ્યું કે સાડાઆઠ કરોડ મુસ્લિમ મહિલાઓને ન્યાય આપવા તીન તલાકનો મુસ્લિમ ધારો રદ કર્યો ત્યારે પણ શાંતિ જ હતી, નહીંતર આ તો મુસ્લિમ સમાજની આંતરિક બાબત હતી, પરંતુ દરેક મુસ્લિમ પણ દેશમાં ભાઈચારો અને શાંતિ જળવાઈ રહે એમ ઇચ્છે છે એટલે તીન તલાક વખતે પણ તેમણે શાંતિ જાળવી હતી. કેટલાક લોકો ભય અને અફવા દ્વારા લઘુમતીને ભડકાવવા માગે છે, પરંતુ હવે મુસ્લિમો આવા લોકોની વાતમાં ફસાશે નહીં.

ચીફ જસ્ટિસે તાત્કાલિક સુનાવણીના કેસોથી પોતાને દૂર કર્યા

અયોધ્યા વિવાદ કેસ અંગે ચુકાદો આવવાનો છે, કારણ કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના કાર્યકાળ માટે માત્ર પાંચ દિવસનો સમય બાકી છે. આટલું જ નહીં, સૂત્રો પાસેથી મળેલી નવી માહિતી મુજબ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈએ તાકીદના સુનાવણીના કેસોથી પણ પોતાને દૂર કરી દીધા છે. તેમણે આવા કેસોની સૂચિ મુખ્ય ન્યાયાધીશ બનવા જઈ રહેલા ન્યાયાધીશ એસ. એ. બોબડેને સોંપી છે. ૧૭ નવેમ્બરે સીજેઆઇ ગોગોઈ નિવૃત્ત થવાના છે. આ તાત્કાલિક સુનાવણીના કેસોમાં અયોધ્યા વિવાદ સિવાય રાફેલ ડીલ, સબરીમાલા કેસ અને આરટીઆઇના કાર્યક્ષેત્ર હેઠળ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની કચેરી જેવા કેસનો સમાવેશ થાય છે. અયોધ્યા વિવાદ કેસ જેવા ઉચ્ચ પ્રોફાઇલ કેસ અંગેનો ચુકાદો જલદી આવી શકે છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ૧૬ ઑક્ટોબરે ચુકાદો અનામત રાખ્યો હતો. આ દરમિયાન સીજેઆઇ ગોગોઈએ એમ પણ કહ્યું હતું કે અયોધ્યા પર ચુકાદો લખવા માટે ઓછામાં ઓછા એક મહિનાનો સમય જરૂરી રહેશે.

ઉત્તર પ્રદેશના દરેક જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ, અયોધ્યા કેસના ચુકાદા પહેલાં દેશભરમાં અલર્ટ, સોશ્યલ મીડિયા પર બાજનજર
અયોધ્યા જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ થોડા દિવસમાં નિર્ણય સંભળાવે એવી શક્યતા છે. આ ચુકાદાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં ખાસ તૈયારી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મોટા ભાગના જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે અને અયોધ્યા સાથે જોડાયેલા કોઈ પણ કાર્યક્રમ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અયોધ્યાના જિલ્લા આંબેડકરનગરની ઘણી સ્કૂલોમાં ૮ અસ્થાયી જેલ બનાવવામાં આવી છે.

વડા પ્રધાન મોદીની પ્રધાનોને સલાહ: અયોધ્યા મુદ્દે બિનજરૂરી નિવેદનો આપવાનું ટાળો
અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીમાં તેમના પ્રધાનો સાથે ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ પ્રધાનોને આ મુદ્દે બિનજરૂરી નિવેદનો આપવાનું ટાળવાનું અને દેશમાં સુમેળ જાળવવા જણાવ્યું છે. કોર્ટના નિર્ણય પહેલાં દેશમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સુરક્ષાવ્યવસ્થા વધારી દેવામાં આવી છે. અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટૂંક સમયમાં અપેક્ષિત છે.
સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે પ્રધાનો સાથેની બેઠક દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સલાહ આપી છે. વડા પ્રધાને નિર્ણય પછી તમામ પ્રધાનોને સુમેળનું વાતાવરણ જાળવવામાં મદદ કરવા અને કોર્ટના નિર્ણયનો આદર કરવા જણાવ્યું હતું.

અયોધ્યા: ચુકાદો આવે એ પહેલાં લોકો જરૂરી ચીજવસ્તુઓ એકઠી કરવા લાગ્યા

અયોધ્યામાં હવા બદલાઈ રહી છે. અહીં હવે આશંકાઓ અને તણાવ અનુભવી શકાય છે. રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલામાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય હવે કોઈ પણ દિવસે આવી શકે છે. એવામાં અહીંના લોકો ચુકાદો આવે એ પહેલાં પોતાની તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવા ઇચ્છે છે. કેટલાક લોકો તો પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ એકઠી કરવા લાગ્યા છે. કેટલાક લોકો પોતાના પરિવારની મહિલાઓ અને બાળકોને સુરક્ષિત સ્થળોએ મોકલવા લાગ્યાં છે. બીજી તરફ પ્રશાસન પણ હાઈ અલર્ટ પર છે અને તેઓ સમગ્ર અયોધ્યામાં સુરક્ષા અને શાંતિ બનાવી રાખવામાં કોઈ કસર છોડવા નથી માગતા. કેટલાક લોકો તો પોતાના કે પરિવારમાં લેવાયેલાં લગ્ન મોકૂફ કરી રહ્યાં છે.
સૈયદવાડામાં મુસ્લિમોની વસ્તી વધારે છે. અહીં મંદિરો પણ ઘણાં છે અને હિન્દુ પરિવારોનાં પણ કેટલાંક ઘર આવેલાં છે. આ જ વિસ્તારમાં રહેનારી એક વ્યક્તિએ જણાવ્યું કે અમે અહીંના સ્થાનિક રહેવાસી છીએ, પરંતુ અમને એવી શંકા છે કે આ વખતે સૈયદવાડાને નિશાન બનાવવામાં આવશે જે અમારા બધા જ રહેવાસીઓ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. ગયા વર્ષે જ્યારે નવેમ્બરમાં શિવસેના અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો આ વિસ્તારમાં આવ્યા હતા ત્યારે પણ હિન્દુ સમાજના કેટલાક લોકોએ આ પ્રકારનું જ વર્તન કર્યું હતું.

ayodhya ayodhya verdict