મેં છેલ્લા ૨-૩ દિવસમાં મોદી સાથે ટેલિફોન પર વાતચીત નથી કરી : અડવાણી

11 October, 2011 09:23 PM IST  | 

મેં છેલ્લા ૨-૩ દિવસમાં મોદી સાથે ટેલિફોન પર વાતચીત નથી કરી : અડવાણી

 

શું મોદી તેમની રૅલી ગુજરાતમાં પ્રવેશશે ત્યારે હાજર રહેશે એવા સવાલના જવાબમાં અડવાણીએ કહ્યું હતું કે આ અગાઉ જ બીજેપીના ઉપપ્રમુખ પરસોતમ રૂપાલાએ ખુલાસો કર્યો છે કે મોદી હાજર રહેશે.

ગઈ કાલે લોકસભાનાં વિરોધ પક્ષનાં નેતા સુષમા સ્વરાજ અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા અરુણ જેટલી સાથે રથયાત્રા વિશે પત્રકાર-પરિષદને સંબોધતાં અડવાણીએ યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) સરકારની ઝાટકણી કાઢી હતી. અડવાણીએ કહ્યું હતું કે ‘હું મારી ૩૮ દિવસની ‘જનચેતના યાત્રા’માં વિદેશી બૅન્કોમાં રહેલાં કાળાં નાણાં પાછાં લાવવાના મુદ્દા વિશે લોકોમાં જાગૃતિ લાવીશ. લોકો સરકાર વિરુદ્ધ રોષે ભરાયા છે એનું કારણ એ છે કે આ સરકાર નેતૃત્વવિહોણી છે. મારી રથયાત્રા સ્વચ્છ અને સારા વહીવટની હિમાયત કરશે. યુપીએ સરકારના કરપ્શનને લીધે લોકો ક્રોધિત થયા છે અને તેમને સંસદીય લોકશાહી વિશે જ નિરાશા ઊભી થઈ છે. અમે અણ્ણા હઝારેની ચળવળને સંપૂર્ણ ટેકો આપીએ છીએ.’

બીજેપીના વડા પ્રધાનપદ માટેના ઉમેદવારો વિશે અડવાણીએ કહ્યું હતું કે પક્ષમાં સારા નેતાઓની અછત નથી અને ચૂંટણી પછી નેતા કોણ એ નક્કી કરવામાં આવશે. બીજેપી અણ્ણા હઝારેને રાષ્ટ્રપતિપદ માટે ઊભા રાખશે એવી કૉન્ગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહની વાત વિશે તેમણે કહ્યું હતું કે પક્ષે આ બાબતની ચર્ચા પણ કરી નથી.