સરકાર કાળાં નાણાંના મુદ્દે શ્વેતપત્ર જાહેર કરે : અડવાણી

19 October, 2011 06:44 PM IST  | 

સરકાર કાળાં નાણાંના મુદ્દે શ્વેતપત્ર જાહેર કરે : અડવાણી



અડવાણીએ આક્ષેપ કર્યો હતો કે ‘યુએસ, યુકે, કૅનેડા અને બીજા દેશોએ વિદેશમાંથી કાળું નાણું પાછું લાવવા આવશ્યક જોગવાઈઓમાં ફેરફાર કર્યો છે, પરંતુ યુપીએ સરકાર કોઈ પગલું નથી ઉઠાવી રહી. જો યુપીએ સરકાર સ્વિસ બૅન્કોમાં છુપાવી રાખવામાં આવેલું કાળું નાણું પરત લાવે તો દેશનાં છ લાખ ગામડાઓમાં વીજળી, પાણી અને સડકની સમસ્યાઓનો ઉકેલ આવી જાય.’

હિસારનાં પરિણામ જનઆક્રોશ


અડવાણીએ કહ્યું હતું કે ‘હિસારની પેટાચૂંટણીઓમાં થયેલી કૉન્ગ્રેસની હાર પ્રજાનો તેમની તરફનો આક્રોશ વ્યક્ત કરે છે. માત્ર હિસાર જ નહીં, પણ આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત તમામ પેટાચૂંટણીઓમાં કૉન્ગ્રેસે હારનું મોઢું જોવું પડ્યું છે. દેશની જનતા હવે યુપીએને પણ વધુ સહન કરવા તૈયાર નથી.’

યેદીયુરપ્પાને ચેતવ્યા હતા


અડવાણીએ કબૂલ્યું હતું કે ‘કેટલીક નાની-નાની ભૂલોને કારણે પક્ષને નીચાજોણું થયું છે. હું પક્ષના તમામ લોકોને આ બાબતે જાગ્રત રહેવાનું કહેતો રહું છું.’ તેમણે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદીયુરપ્પાનું નામ લીધા વિના કહ્યું હતું કે અમને જ્યારે તેમના વિશે જાણ થઈ ત્યારે અમે તેમને સાવધાન રહેવાની ચેતવણી આપી હતી.