17 February, 2024 12:33 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
લોકસભાની ચૂંટણી પહેલાં હરિયાણાના રેવાડીમાં એક જનસભાને સંબોધિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. વડા પ્રધાન મોદીએ કહ્યું કે, કૉન્ગ્રેસ પાર્ટીના લોકો જેઓ ભગવાન શ્રીરામને કાલ્પનિક માનતા હતા અને તેઓ નહોતા ઇચ્છતા કે અયોધ્યામાં રામમંદિર બને. તેઓ હવે ‘જય સિયારામ’ના નારા લગાવી રહ્યા છે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે ‘આજે એઇમ્સનો શિલાન્યાસ કર્યો છે, લોકાર્પણ પણ અમે જ કરીશું, જેથી તમને વધારે સારી સારવાર મળશે અને યુવાનોને ડૉક્ટર બનવાની તક મળશે. રોજગાર અને સ્વરોજગારની અનેક તક ઊભી થશે. હું કાલે જ બે દેશોની યાત્રા બાદ ભારત આવ્યો છું. યુએઈ અને કતારમાં આજે જે પ્રકારે ભારતને સન્માન મળે છે, દરેક ખૂણેથી ભારતને શુભેચ્છા મળે છે એ સન્માન માત્ર નરેન્દ્ર મોદીનું નહીં, પણ દરેક ભારતીયનું સન્માન છે. હવે મને મારા ત્રીજા કાર્યકાળમાં આવનારાં વર્ષોમાં ભારતને દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બનાવવા માટે તમારા આશીર્વાદ જોઈએ છે. આજે સમગ્ર વિશ્વ હવે ભારતમાં રોકાણ કરવા આતુર છે અને હરિયાણા રોકાણ માટે એક સારા રાજ્ય તરીકે ઊભરી રહ્યું છે. એને કારણે રોજગારીની નવી તક પણ વધી રહી છે.’
અહીં નોંધનીય છે કે પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત વીર ધારા રેવાડીથી કરી હતી. તેમણે કહ્યું કે ‘હું જ્યારે પણ રેવાડી આવું છું ત્યારે ઘણી જૂની યાદો તાજી થઈ જાય છે. રેવાડી સાથેનો મારો સંબંધ અલગ રહ્યો છે. હું જાણું છું કે રેવાડીના લોકો મોદીને ખૂબ પ્રેમ કરે છે.’