બે મહિનામાં રેલવેનાં પ્રવાસી ભાડાંમાં વધારો થવાનાં એંધાણ

15 December, 2014 05:25 AM IST  | 

બે મહિનામાં રેલવેનાં પ્રવાસી ભાડાંમાં વધારો થવાનાં એંધાણ



આગામી વર્ષના પહેલા બે મહિનામાં રજૂ કરવામાં આવનારા રેલવેના બજેટમાં પ્રવાસી ભાડાં વધારવાની દરખાસ્ત રજૂ કરવામાં આવે એવી પાકી શક્યતા છે. ઈંધણના દરમાં થયેલા વધારાને પહોંચી વળવા માટે રેલવે મંત્રાલય પ્રવાસીઓ પરનો બોજ વધારી શકે છે. રેલવેનાં પ્રવાસી ભાડાંને ઈંધણના ભાવ સાથે સાંકળી લેવામાં આવ્યાં છે. આ ફ્યુઅલ ઍડ્જસ્ટમેન્ટ લિન્ક્ડ ટૅરિફ રિવિઝન ડિસેમ્બરમાં કરવાનું હતું, પણ હવે એ કામગીરી ફેબ્રુઆરીમાં રજૂ થનારા રેલવેના બજેટમાં કરવામાં આવશે એમ જણાવતાં રેલવેના એક અધિકારીએ ઉમેર્યું હતું કે તાજેતરના મહિનાઓમાં એનર્જી કૉસ્ટમાં ચાર ટકાથી વધુનો વધારો થયો છે એટલે આ ભાડાવધારો જરૂરી બન્યો છે.

રેલવેએ જાહેર કરેલી નીતિ મુજબ ફ્યુઅલ અને એનર્જીના ભાવ અનુસાર વર્ષમાં બે વાર પ્રવાસી અને નૂરદરની સમીક્ષા કરવાની હોય છે. આવી છેલ્લી સમીક્ષા જૂન મહિનામાં કરવામાં આવી હતી અને એ વખતે પ્રવાસી ભાડામાં ૪.૨ ટકાનો અને નૂરભાડામાં ૧.૪ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

પ્રવાસી ભાડાંમાં વધારાનો સંકેત આપતાં નવા રેલવેપ્રધાન સુરેશ પ્રભુએ તાજેતરના એક કાર્યક્રમમાં સંકેત પણ આપ્યો હતો કે રેલવે પરના બોજનો કેટલોક હિસ્સો પ્રવાસીઓએ પણ ભોગવવાનો રહેશે. રેલવેના વધતા ખર્ચને પહોંચી વળવા માટે પ્રવાસી ભાડાંમાં વધારાની સંભાવના બાબતે સવાલ કરવામાં આવ્યો ત્યારે સુરેશ પ્રભુએ આવી શક્યતાનો ઇનકાર કર્યો ન હતો અને જણાવ્યું હતું કે ભાડાં વધારતાં પહેલાં પ્રવાસીઓ માટેની સુવિધામાં સુધારો કરવો જરૂરી છે. સલામતી સાથે કોઈ સમાધાન થઈ ન શકે. રેલવેમાં મોટા પાયે રોકાણની જરૂર પણ છે.

રેલવેની નાણાકીય હાલત વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં સુરેશ પ્રભુએ એવું પણ કહ્યુ હતું કે આ હાલત હરખાવા જેવી નથી. જાહેર કરવામાં આવેલા પ્રોજેક્ટ્સ માટે છથી આઠ લાખ કરોડ રૂપિયાની જરૂર છે. રેલવે પાસે રોકાણ માટે કોઈ ભંડોળ નથી. રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશન અને સલામતી સંબંધી કામો માટે મોટા પાયે રોકાણ કરવું જરૂરી છે. આ બધા માટે રેલવેને અંદાજે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની જરૂર છે. પૅસેન્જર સેPરમાં ક્રૉસ સબસિડાઇઝેશનનો આંકડો ૨૬,૦૦૦ કરોડ રૂપિયાની આસપાસ ઝળૂંબી રહ્યો છે, જ્યારે એપ્રિલથી નવેમ્બર સુધીમાં પૅસેન્જર બુકિંગમાં આગલા વર્ષની સરખામણીએ ૧.૪૩ ટકાનો ઘટાડો થયો છે.