હેમા માલિની મથુરા પહોંચ્યાં, પણ હિંસાના સ્થળે ન જવા દેવાયાં

05 June, 2016 05:38 AM IST  | 

હેમા માલિની મથુરા પહોંચ્યાં, પણ હિંસાના સ્થળે ન જવા દેવાયાં


હેમા માલિનીએ તેમના મતવિસ્તાર મથુરામાં હિંસક બનાવો બન્યા એ જ દિવસે તેમની ફિલ્મના શૂટિંગનાં દૃશ્યો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર મૂક્યાં હતાં અને એ માટે તેમની ટીકા પણ થઈ હતી.

કૉમ્બિંગ-ઑપરેશનને કારણે સામાન્ય નાગરિકોનો પ્રવેશ રોકવામાં આવતો હોવાનું જણાવતાં પોલીસે ઉમેર્યું હતું કે એ વિસ્તારને હજી સલામત જાહેર કરવામાં આવ્યો નથી એટલે વધુ હિંસા થવાની શક્યતા અમે નકારી શકતા નથી.

સિટી મૅજિસ્ટ્રેટ રામ અરજ યાદવે જણાવ્યું હતું કે ફૉરેન્સિક એક્સપર્ટ્સ જવાહરબાગ વિસ્તારમાં તપાસ કરી રહ્યા હોવાથી એ તપાસ પૂરી ન થાય ત્યાર સુધી ત્યાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.

જવાહરબાગની હિંસાના મૃત્યુ પામેલા લોકોના કુટુંબીજનો અને ઘાયલ લોકોને મળવા માટે પહોંચેલાં લોકસભાનાં સભ્ય હેમા માલિનીએ ઈજા પામેલા પોલીસોની મુલાકાત લીધી હતી. તેમણે સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ મુકુલ દ્વિવેદી અને ફરાહ પોલીસ-સ્ટેશનના સ્ટેશન-હાઉસ ઑફિસર સંતોષ યાદવના મૃત્યુ બદલ શોક વ્યક્ત કર્યો હતો.

પોલીસોએ એક દિવસનો પગાર ફાળવ્યો

મથુરા જિલ્લાના પોલીસોએ જવાહરબાગની હિંસામાં માર્યા ગયેલા બે પોલીસ-અમલદારોના પરિવારો માટે એક દિવસનો પગાર ફાળવવાનો નિર્ણય લીધો છે.