આરોપી યુવતીને બીજી યુવતીઓના વિડિયો બનાવવા બ્લૅકમેઇલ કરવામાં આવતી હતી?

21 September, 2022 08:50 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

બે યુવાનો ધરપકડ કરાયેલી આરોપી ગર્લ સ્ટુડન્ટને અન્ય ગર્લ સ્ટુડન્ટ્સના વિડિયોઝ શૅર કરવા માટે બ્લૅકમેઇલ કરતા, આરોપીઓની ધરપકડ બાદ તેમના મોબાઇલ ફોન પર મુંબઈ સહિત અનેક મેટ્રો સિટીમાંથી સતત ફોન-કૉલ્સ આવતા હતા

પ્રતીકાત્મક તસવીર

ચંડીગઢ ઃ મોહાલીમાં ચંડીગઢ યુનિવર્સિટીની ગર્લ્સ હૉસ્ટેલ એમએમએસ કાંડમાં અનેક નવા ખુલાસા થયા છે. આ કેસમાં આરોપી બે યુવાનો ધરપકડ કરાયેલી આરોપી ગર્લ સ્ટુડન્ટને અન્ય ગર્લ સ્ટુડન્ટ્સના વિડિયોઝ શૅર કરવા માટે બ્લૅકમેઇલ કરતા હતા. આરોપીઓ સની મહેતા અને તેનો મિત્ર રંકજ વર્માએ આ આરોપી છોકરીને ધમકી આપી હતી કે તે કૉમન વૉશરૂમમાં હૉસ્ટેલની અન્ય ગર્લ સ્ટુડન્ટ્સના વિડિયોઝ શૂટ કરીને એ શૅર નહીં કરે તો તેઓ બન્ને આ આરોપી છોકરીના પ્રાઇવેટ વિડિયો વાઇરલ કરી દેશે. આ કાંડમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે. જમ્મુમાં આર્મી ઇનફન્ટ્રીમાંથી એક વ્યક્તિને આરોપી ગણાવાયો છે.
દરમ્યાન, આ એમએમએસ કાંડમાં ગુજરાત અને મુંબઈનું પણ કનેક્શન બહાર આવ્યું છે. આ કેસમાં આરોપી છોકરીની પાસેથી જપ્ત કરાયેલું ડિવાઇસ તપાસ માટે મોકલવામાં આવ્યું છે. તેના ડિવાઇસમાં વિડિયોઝ સેવ કરવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રો અનુસાર આરોપીઓની ધરપકડ બાદ તેમના મોબાઇલ ફોન પર મુંબઈ સહિત અનેક મેટ્રો સિટીમાંથી સતત ફોન-કૉલ્સ આવી રહ્યા હતા. 
એ ઍન્ગલથી પણ તપાસ થઈ રહી છે કે આરોપીઓ શિમલાના છે, જ્યાં મોટી સંખ્યામાં ટૂરિસ્ટ્સ આવે છે એટલે તેમનો સંબંધ પૉર્ન વેબસાઇટ્સના કોઈ વિદેશી નેટવર્ક સાથે તો નથીને એની પણ તપાસ ચાલી રહી છે. પોલીસ આરોપીઓ અને તેમના પરિવારની સંપત્તિ અને અન્ય બાબતોની તપાસ કરી રહી છે. 
હવે પોલીસ સૂત્રો અનુસાર આરોપીના મોબાઇલ ફોનમાં ગુજરાત અને મુંબઈથી ફોન-કૉલ્સ આવ્યા હતા. એસઆઇટીની ટીમ ગુજરાત અને મુંબઈથી કૉલ કરનારી વ્યક્તિઓની સાથે આ આરોપીઓનાં કનેક્શનની તપાસ કરી રહી છે. 
પોલીસ અનુસાર આ કેસમાં ચોથો વ્યક્તિ છે કે જે પણ આ છોકરીને બ્લૅકમેઇલ કરતો હતો. આ છોકરીએ તેનો વિડિયો તેના બૉયફ્રેન્ડ સનીને મોકલ્યો હતો. સની એક ડિવાઇસમાં તેના વિડિયોઝ સ્ટોર કરતો હતો. એ ડિવાઇસ સની પાસેથી મેળવવામાં આવ્યું છે અને ફૉરેન્સિક ટીમને મોકલવામાં આવ્યું છે. 

વૉશરૂમના મામલે ખામી બહાર આવી
યુનિવર્સિટીની આ હૉસ્ટેલ વાસ્તવમાં પહેલાં બૉય્ઝ હૉસ્ટેલ હતી. આ જ કારણે ત્યાં વૉશરૂમ્સ બનાવવામાં આવ્યા છે એની ઉપર ઓપન એરિયા છે એટલે કે ત્યાંથી સહેલાઈથી મોબાઇલથી વિડિયો શૂટ કરી શકાય છે. 

ગર્લ સ્ટુડન્ટ્સને ધમકી આપવામાં આવી 
આ એમએમએસ કાંડની તપાસ દરમ્યાન ચંડીગઢ યુનિવર્સિટીની કેટલીક ગર્લ સ્ટુડન્ટ્સને કૉલ કરીને ધમકી આપવામાં આવી હતી. પોલીસે હવે એની તપાસ પણ શરૂ કરી છે. પોલીસ અનુસાર આ ગર્લ સ્ટુડન્ટ્સને વિદેશના નંબર્સ પરથી ધમકીભર્યા કૉલ્સ આવી રહ્યા હતા. આ નંબર ઍપના માધ્યમથી ભારતમાં રહીને જ કરાયા હોવાની પણ શક્યતા છે. 

વાંધાજનક વિડિયો રેકૉર્ડ અને ફૉર્વર્ડ કરનારી વ્યક્તિને સખત સજા થઈ શકે છે, જાણો કાયદો શું કહે છે?

જો કોઈ વ્યક્તિ કોઈનો અશ્લીલ વિડિયો રેકૉર્ડ કરે છે તો ઇન્ડિયન આઇટી ઍક્ટની કલમ ૬૬-ઈ હેઠળ તેને દોષી પુરવાર કરાવી શકાય છે. એ બદલ તેને ત્રણ વર્ષ સુધીની કેદની સજા અને પાંચ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. જો 

પ્રાઇવેટ પાર્ટ્સ દેખાતા હોય કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સની સ્થિતિ હોય તો સજા વધીને પાંચ વર્ષ થઈ શકે છે. 
 

જે વ્યક્તિનો વિડિયો બનાવાયો હોય એની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોય તો ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો કેસ બને છે, જેમાં ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

 જો વિડિયો ફૉર્વર્ડ કર્યો તો આઇટી ઍક્ટની કલમ ૬૭-એ હેઠળ પહેલી વાર દોષી પુરવાર થતાં ત્રણ વર્ષ સુધીની જેલ. બીજી કે વારંવાર આવો અપરાધ કરતાં પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. 

આટલી કાળજી રાખો

 જ્યારે પણ તમે તમારો જૂનો મોબાઇલ કોઈને આપો કે વેચો ત્યારે એને ફૅક્ટરી રીસેટ કરો. એનાથી કન્ટેન્ટ રિટ્રાઇવ થવાના ચાન્સિસ ઓછા થઈ જાય છે.
 પોતાના ફોટોગ્રાફ્સ અને વિડિયોઝ મોબાઇલ હાર્ડવેરના બદલે મેમરી કાર્ડમાં સેવ કરો.

national news chandigarh