અમેરિકાનો કમાલનો કલામપ્રપંચ

14 November, 2011 10:35 AM IST  | 

અમેરિકાનો કમાલનો કલામપ્રપંચ

 

તેઓ વતન પાછા આવવા ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેઠા એ પહેલાં તેમની ઝડતી લેવામાં આવી હતી.  સીટ પર બેસી ગયેલા કલામની ફરી પાછી ઝડતી લેવા ઍરર્પોટના સત્તાવાળાઓ પ્લેનમાં આવ્યા હતા. તેઓ તેમનાં મોજાં અને જૅકેટ ચેકિંગ માટે લઈ ગયા હતા. ચેકિંગ કર્યા બાદ કલામને મોજાં અને જૅકેટ પાછાં આપવામાં આવ્યાં હતાં. સુરક્ષા અધિકારીઓએ કહ્યું હતું કે અમે મોજાં અને જૅકેટનું ચેકિંગ કરવાનું ભૂલી ગયા હતા. ઍર ઇન્ડિયાના કર્મચારીઓએ અમેરિકાના ટ્રાન્સર્પોટેશન સિક્યૉરિટી ઍડ્મિનિસ્ટ્રેશનના ઍક્શન સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે કલામે વાંધો ન ઉઠાવતાં સિક્યૉરિટી ચેકિંગ ફરી પાછું પાર પડ્યું હતું. વિદેશપ્રધાન એસ. એમ. ક્રિષ્નાએ પછી ભારતનાં રાજદૂત નિરુપમા રાવને અમેરિકાના સર્વોચ્ચ સ્તરે વાત ઉપાડી લેવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત માટે આ પ્રકારનું વર્તન અસ્વીકાર્ય છે અને ભારત પણ અમેરિકાના મહાનુભાવો સાથે આવો વર્તાવ કરશે. ભારતના પ્રોટેસ્ટ બાદ અમેરિકાની સરકારે આ બાબતે ખેદ વ્યક્ત કર્યો હતો અને માફી માગતાં કહ્યું હતું કે અમે કલામ માટે ઘણો આદર ધરાવીએ છીએ.

આ અગાઉ ૨૦૦૯ની ૨૧ એપ્રિલે કલામની સાથે અમેરિકાએ આવો જ વર્તાવ કર્યો હતો. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિલ્હીથી કૉન્ટિનેન્ટલ ઍરવેઝનું પ્લેન પકડી રહ્યા હતા ત્યારે ઍરવેઝના કર્મચારીઓએ રાજદ્વારી પ્રોટોકૉલનો ભંગ કરીને તેમની ઝડતી લીધી હતી. ભારતમાં અને ભારતીય સંસદમાં હોબાળો મચતાં અમેરિકાએ માફી માગી લીધી હતી.

બીજેપીએ આ બનાવનો જોરદાર વિરોધ નોંધાવતાં કહ્યું હતું કે ‘ભારત સરકારે આ વાત અમેરિકા સાથે ઉપાડી લેવી જોઈએ. કલામના અપમાનને સાંખી ન લેવાય.’