કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં હુમલાની અફવાથી હજારોનું આસામ તરફ પલાયન

17 August, 2012 07:44 AM IST  | 

કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં હુમલાની અફવાથી હજારોનું આસામ તરફ પલાયન

 

 

કર્ણાટકમાં છેલ્લા થોડા દિવસોથી ઉત્તર-પૂર્વના લોકો પર હુમલા થશે એવી અફવા ફેલાતાં હજારોની સંખ્યામાં લોકો ટ્રેનમાં બેસીને પોતાના વતન રવાના થઈ ગયા છે. ગઈ કાલે આંધ્ર પ્રદેશના હૈદરાબાદમાં પણ આસામના વતનીઓ મોટી સંખ્યામાં સ્વદેશ જતા રહ્યા હતા. કર્ણાટક સરકારે સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હોવા છતાં આસામના વતનીઓમાં સુરક્ષાની ભાવના પેદા નહોતી થઈ અને હજારો લોકો પરિવાર સાથે રાતોરાત આસામ ભાગી ગયા હતા. બૅન્ગલોર અને હૈદરાબાદમાં  ગઈ કાલે આસામના ૧૦,૦૦૦થી વધુ લોકો વતન પાછા ફર્યા હતા. આસામમાં બોડો આદિવાસીઓ અને મુસ્લિમો વચ્ચેની હિંસાને પગલે દેશના અન્ય ભાગોમાં વસતા આસામીઓમાં મુંબઈના આઝાદ મેદાનમાં થયેલી હિંસાને  પગલે વધુ ગભરાટ ફેલાયો હતો. એવામાં ગમેત્યારે અટૅક થશે એવા એસએમએસ ફરતા થતાં  મોટી સંખ્યામાં લોકોએ પલાયન શરૂ કર્યું હતું.  


બૅન્ગલોર સ્ટેશન પર ભારે ભીડ


કર્ણાટક સરકારે સુરક્ષાની ખાતરી આપી હોવા છતાં ગઈ કાલે બૅન્ગલોર રેલવે-સ્ટેશન આસામના વતનીઓથી ઊભરાઈ ગયું હતું. ઉત્તર-પૂર્વમાં જતી ટ્રેનોમાં લોકો ભારે હાલાકી વેઠીને પણ ઘૂસી ગયા હતા. પલાયન કરનારાઓમાં મોટા ભાગના આસામી વિદ્યાર્થીઓ હતા. ગઈ કાલે માત્ર બૅન્ગલોરમાં જ ૭૦૦૦થી વધુ લોકો આસામ પરત ફર્યા હતા. બાદમાં રાજ્ય સરકારે અફવા ફેલાવનારાઓ સામે કડક પગલાં ભરવાની ચેતવણી આપી હતી. લોકોની ભારે ભીડને જોતાં આસામ જતી ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવ્યા હતા.


અફવા ફેલાવનારાઓની શોધ


કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન તથા ગૃહપ્રધાન આર. અશોકે કહ્યું હતું કે અફવા ફેલાવનારાઓને શોધવાનું અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના જે વિસ્તારોમાં આસામીઓની વસ્તી છે ત્યાં સુરક્ષા પૂરી પાડવામાં આવી છે તથા પોલીસ દ્વારા સઘન પૅટ્રોલિંગ થઈ રહ્યું છે. વડા પ્રધાન મનમોહન સિંહ, કેન્દ્રીય ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદે, લોકસભા અને રાજ્યસભાનાં વિપક્ષના નેતા અનુક્રમે સુષમા સ્વરાજ તથા અરુણ જેટલી અને આસામના મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈએ ગઈ કાલે કર્ણાટકના મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટર સાથે ચર્ચા કરી હતી.

 

 

આસામની હિંસા અન્ય જિલ્લામાં પણ ફેલાઈ

 

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સુરક્ષાનાં પગલાં ભરવામાં આવ્યાં હોવાના દાવા છતાં આસામમાં ગઈ કાલે ફરી હિંસા ભડકી હતી. ગઈ કાલે રાજ્યના કામરુ જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી. તો કોકરાઝાર જિલ્લામાં ગઈ કાલે લઘુમતી કોમના સભ્યો ઑટોરિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેમના પર ઍસિડ ફેંક્યો હતો, જેમાં ૯ લોકોને ઈજા પહોંચી હતી. રાજ્યના ધુબરી જિલ્લામાં પણ હિંસાની છૂટક ઘટનાઓ બની હતી. ગઈ કાલે રાજ્યના રંજિયા વિસ્તારમાં તોફાનીઓએ અનેક વાહનોને આગ ચાંપી હતી, તો કામરુ જિલ્લામાં ગુવાહાટી જતી બસને સળગાવી દેવામાં આવી હતી. બોડો આદિવાસીઓ તથા મુસ્લિમો વચ્ચેની હિંસાનો પડઘો સંસદમાં પણ પડ્યો છે.

 


કેવી રીતે ફૂટ્યો અફવા-બૉમ્બ?


 

આસામની હિંસાને કારણે દેશના અન્ય ભાગોમાં વસતા આસામીઓમાં પહેલેથી જ ભયનો માહોલ હતો. કર્ણાટકના મૈસુરમાં ૧૪ ઑગસ્ટે બાઇક પર આવેલા બે હુમલાખોરોએ એક તિબેટિયન સ્ટુડન્ટને ચાકુ મારતાં ઉત્તર-પૂર્વના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. એ પછી છેલ્લા બે દિવસથી ઉત્તર-પૂર્વના લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં એક એસએમએસ ફરતો થયો હતો, જેમાં તેમના પર હુમલા થઈ શકે છે એવી ચેતવણી આપવામાં આવી હતી તથા તાત્કાલિક વતન પાછા ફરવાની અપીલ કરવામાં આવી હતી. આ એસએમએસને પગલે અફવાનું બજાર ગરમ થયું હતું અને મોટી સંખ્યામાં લોકોએ પલાયન શરૂ કર્યું હતું.

 

એસએમએસ = શૉર્ટ મેસેજિંગ સર્વિસ, ડીજીપી = ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ, આરએસએસ = રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ