ભગવંત માનનો દાવો, આપમાંથી બીજેપીમાં જોડાવા રૂપિયા અને પ્રધાનપદની ઑફર થઈ

06 December, 2021 08:46 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

કોઈ બીજેપી લીડરનું નામ લીધા વિના માને દાવો કર્યો હતો કે તેમને ચાર દિવસ પહેલાં એક કૉલ આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી (આપ)ના પંજાબ પ્રમુખ ભગવંત માને ગઈ કાલે એક દાવો કરીને રાજ્યના રાજકારણમાં નવી ચર્ચા શરૂ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે બીજેપીના એક સિનિયર લીડરે તેમની પાર્ટીમાં જોડાવા માટે તેમને રૂપિયા અને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન ઑફર કર્યું હતું. સંગરૂરના આ સંસદસભ્યે બીજેપીની ટીકા કરીને જણાવ્યું હતું કે તેમને ખરીદી ન શકાય. બીજેપીએ સ્વાભાવિક રીતે આ આરોપને નકાર્યો હતો અને માન જે બીજેપીના સિનિયર નેતાની વાત કરી રહ્યા છે એમનું નામ જાહેર કરવાની તેમને ચૅલેન્જ આપી હતી. 
કોઈ બીજેપી લીડરનું નામ લીધા વિના માને દાવો કર્યો હતો કે તેમને ચાર દિવસ પહેલાં એક કૉલ આવ્યો હતો. કૉલ કરનારી વ્યક્તિએ પૂછ્યું હતું કે ‘માન, બીજેપીમાં જોડાવાના બદલામાં તમે શું ઇચ્છો છો? શું તમે રૂપિયા ઇચ્છો છો?’ આપના નેતાએ વધુ દાવો કર્યો હતો કે એ બીજેપી લીડરે જણાવ્યું હતું કે તેઓ એકમાત્ર આમ આદમી પાર્ટીના સંસદસભ્ય હોવાથી પક્ષપલટા વિરોધી કાયદો તેમને લાગુ નહીં પડે. સાથે જ તેમને કૅબિનેટ મિનિસ્ટર બનાવવાની પણ ઑફર આપી હતી. 

national news bharatiya janata party aam aadmi party chandigarh