20 May, 2025 08:25 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં વ્યક્તિની ઓળખ માટે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે. આધાર કાર્ડ ઇશ્યુ કરતી સરકારી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ એમાં કોઈ પણ પ્રકારના અપડેટ માટે કેટલાક નિયમો તૈયાર કર્યા છે. આધાર કાર્ડમાં ઍડ્રેસ અને મોબાઇલ નંબર ગમે એટલી વાર બદલાવી શકાય છે. જોકે નામ માત્ર બે વાર અને જન્મતારીખ અને જેન્ડર માત્ર એક જ વાર બદલાવી શકાય છે. કોઈ પણ ફેરફાર કરાવવો હોય તો એ માટે કેટલાક દસ્તાવેજોની પણ જરૂર પડે છે, એની વિગતો નીચે મુજબ છે...
નામ બદલવું : આધાર કાર્ડમાં નામ બદલવાનું માત્ર બે વાર શક્ય બને છે. મહિલાઓનાં લગ્ન બાદ અટક બદલાઈ જાય છે એથી તેમના માટે એ ઉપયોગી છે. આ માટે લગ્નનું સર્ટિફિકેટ કે એના જેવા દસ્તાવેજ જરૂરી બને છે.
જન્મતારીખ : જન્મતારીખમાં બદલાવ માત્ર એક જ વાર કરાવી શકાય છે. એ માત્ર આધાર કાર્ડ ઇશ્યુ કરતી વખતે કોઈ ભૂલ થઈ હોય કે કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો જ શક્ય છે. આ ફેરફાર કરાવવા માટે સત્તાવાર બર્થ-પ્રૂફ કે બર્થ-સર્ટિફિકેટ આપવું પડે છે.
ઍડ્રેસઃ આધાર કાર્ડમાં ઍડ્રેસ અનેક વાર અપડેટ કરી શકાય કે બદલાવી શકાય છે. તમે કોઈ એક શહેરમાંથી બીજા શહેરમાં રહેવા જાઓ કે એક જ શહેરમાં એક સ્થળથી બીજા સ્થળે રહેવા જાઓ તો પણ ઍડ્રેસ બદલાવી શકો છો. ઍડ્રેસમાં બદલાવ કરવા માટે આધાર કાર્ડ સેન્ટરમાં જઈને અથવા ઑનલાઇન ફૉર્મ પણ ભરી શકાય છે. આ માટે રેન્ટ ઍગ્રીમેન્ટ, ઇલેક્ટ્રિસિટી બિલ કે વૉટર બિલ જેવા દસ્તાવેજ આપી શકાય છે.
જેન્ડર : જો કોઈના આધાર કાર્ડમાં ભૂલથી મહિલાની જગ્યાએ પુરુષ કે એનાથી ઊલટી વિગતની નોંધ થઈ હોય તો એમાં અપડેટ કરાવી શકાય છે, પણ આ માત્ર એક જ વાર શક્ય હોય છે એથી આ ફેરફાર કરાવતી વખતે દસ્તાવેજ આપ્યા બાદ જે ફૉર્મ ભરવામાં આવ્યું હોય એને ચેક કરી લેવું ખૂબ જરૂરી છે, કારણ કે તમને બીજી વાર ચાન્સ મળવાનો નથી.
મોબાઇલ નંબર : આધાર કાર્ડ સાથે લિન્ક કરવામાં આવેલો મોબાઇલ નંબર વન ટાઇમ પાસવર્ડ (OTP) આધારિત સર્વિસ માટે ખૂબ જ જરૂરી છે. આ મોબાઇલ નંબર પણ ગમે એટલી વાર બદલાવી શકાય છે. મોબાઇલ નંબર બદલવા માટે UIDAIએ કોઈ લિમિટ સેટ કરી નથી. આ કાર્ય માટે આધાર સેન્ટર પર જવું પડે છે.