પહલગામમાં આતંકવાદીઓને મદદ કરનારા યુવકે નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી

06 May, 2025 07:07 AM IST  |  Jammu and Kashmir | Gujarati Mid-day Online Correspondent

બે દિવસ પહેલાં સ્થાનિક પોલીસે શંકાને આધારે તાબામાં લીધો હતો

ઇમ્તિયાઝ મગરે દોડીને નદીમાં કૂદકો માર્યો હતો એ ઘટનાના વિડિયો ગ્રૅબ.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં હુમલો કરનારા આતંકવાદીઓને મદદ કરવાના આરોપસર સ્થાનિક પોલીસે કાશ્મીરના કુલગામ જિલ્લાના એક ગામમાં રહેતા ૨૩ વર્ષના ઇમ્તિયાઝ અહમદ મગરે નામના યુવકને તાબામાં લીધો હતો. ઇમ્તિયાઝ મગરેએ આતંકવાદીઓને રહેવાની સાથે ખાવા-પીવાની વ્યવસ્થા કરી આપી હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસ ઇમ્તિયાઝ મગરેને ગઈ કાલે સવારે પહલગામમાં જે જગ્યાએ ગોળીબાર કરવામાં આવ્યો હતો ત્યાં લઈ ગઈ હતી. થોડે દૂર આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી ઇમ્તિયાઝે આપતાં પોલીસ તેને લઈને પહલગામ લઈ ગઈ હતી. એ સમયે ઇમ્તિયાઝ પોલીસની પકડમાંથી છટકીને ભાગ્યો હતો અને નજીકમાંથી વહેતી વિશ્વા નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. ઇમ્તિયાઝે કબૂલ્યું હતું કે તેણે આતંકવાદીઓને મદદ કરી હતી. આથી તે હાથમાં આવી જવાથી તેની પાસેથી આતંકવાદીઓ અને તેમને મદદ કરનારા બીજા કાશ્મીરીઓની માહિતી મળવાની આશા જાગી હતી. જોકે ઇમ્તિયાઝે આત્મહત્યા કરી લીધી છે એટલે પોલીસની આશા પર પાણી ફરી વળ્યું છે.

ઇમ્તિયાઝનો મૃતદેહ નદીમાંથી મળી આવવાની જાણ થતાં જમ્મુ-કાશ્મીરમાં પોલીસ નિર્દોષ લોકોને શોધી-શોધીને મારી રહી હોવાનો આરોપ વિરોધી પક્ષોએ કર્યો છે. જોકે ઇમ્તિયાઝ પોલીસની પકડથી ભાગીને નદીમાં કૂદ્યો હોવાનો વિડિયો હાથ લાગ્યો છે એટલે ઇમ્તિયાઝે આત્મહત્યા કરી હોવાનું સ્પષ્ટ થાય છે.

national news india Pahalgam Terror Attack jammu and kashmir terror attack Crime News