મહારાષ્ટ્ર CM પદના દાવેદાર દેવેન્દ્ર ફડણવીસનું અંગત અંગત

21 October, 2014 02:44 AM IST  | 

મહારાષ્ટ્ર CM પદના દાવેદાર દેવેન્દ્ર ફડણવીસનું અંગત અંગત




મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો રવિવારે જાહેર થયા બાદ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનેલી BJP હવે રાજ્યમાં વહેલી તકે સરકાર રચવા તલપાપડ છે. પાર્ટી જો ‘દિલ્હીમાં નરેન્દ્ર અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર’ના સ્લોગન પ્રમાણે આગળ વધશે તો ચીફ મિનિસ્ટર તરીકે જે ચારેક નામ ચર્ચાઈ રહ્યાં છે એમાંથી હાલમાં પાર્ટીના પ્રદેશપ્રમુખ દેવેન્દ્ર ફડણવીસને પસંદ કરશે. વિધાનસભાની નાગપુર સીટ પર ચૂંટાયેલા ૪૪ વર્ષના દેવેન્દ્ર ફડણવીસ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી, BJPના ચીફ અમિત શાહ અને ખાસ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનીતા યુવા નેતા છે. આવો એક નજર નાખીએ મહારાષ્ટ્રના પૉલિટિક્સમાં છેલ્લા થોડા સમયથી ચળકતા આ યુવા નેતાની પર્સનલ અને પબ્લિક લાઇફ પર :

અંગત જીવન

૧૯૭૦ની ૨૨ જુલાઈએ જન્મ.

માતાનું નામ સરિતા જ્યારે પિતા ગંગાધરરાવ હવે હયાત નથી. મોટા ભાઈનું નામ આશિષ.

નાગપુરના સરસ્વતી વિદ્યાલયમાં સ્કૂલિંગ, ધરમપેઠ સાયન્સ કૉલેજમાંથી બિઝનેસ મૅનેજમેન્ટની ડિગ્રી, બર્લિનથી ડિપ્લોમા ઇન પ્રોજેક્ટ મૅનેજમેન્ટ અને નાગપુર યુનિવર્સિટીમાંથી લૉની ડિગ્રી પણ મેળવી છે.

નાગપુરના ડૉક્ટર કપલ રાનડેની ગાયિકા પુત્રી અમૃતા સાથે ૨૦૦૬માં મૅરેજ બાદ ચાર વર્ષની દીકરી દિવિજાના પ્રેમાળ પિતા.

હિન્દી ફિલ્મી ગીતો ગમે. વાઇફ અમૃતા ફેવરિટ સિંગર અને સારાં ગાયક હોવાથી સમય મળે તો પત્નીના સ્ટેજ-શોમાં સૂર પણ પુરાવે છે.

ફિલ્મો જોવી ગમે. કાજોલ, અમિતાભ બચ્ચન અને આમિર ખાન ફેવરિટ ફિલ્મસ્ટાર્સ.

શક્ય હોય તો માલદીવ્સ અને ક્રોએશિયા જેવાં હટકે સ્થળોએ છુટ્ટીઓ ગાળવા જવાનું ગમે.

દર શનિવારે શનિ ટેમ્પલમાં દર્શન કરવા જાય.

સ્વાદ-શોખીન છે અને સમોસાં ફેવરિટ વ્યંજન છે.

પૉલિટિકલ કરીઅર              

૧૯૮૭માં માત્ર ૧૭ વર્ષની ઉંમરે BJPની સ્ટુડન્ટ વિંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નાગપુર યુનિટના જૉઇન્ટ સેક્રેટરી.

નાગપુર સુધરાઈના રામનગર વૉર્ડમાંથી ૧૯૯૨માં માત્ર બાવીસ વર્ષની ઉંમરે નગરસેવક તરીકે ચૂંટાયા. ત્યાર બાદ બીજી વાર ચૂંટાઈને ૧૯૯૭માં ૨૭ વર્ષની વયે નાગપુરના સૌથી નાની ઉંમરના મેયર બન્યા અને સમગ્ર ભારતમાં બીજા નંબરના સૌથી નાની વયના મેયર તરીકે નામ નોંધાવ્યું.

૧૯૯૯માં પહેલી વાર વિધાનસભાની નાગપુર (વેસ્ટ)ની સીટ પરથી ચૂંટાયા બાદ સતત ચોથી વાર આ સીટ પરથી જ ચૂંટાયા છે.

૨૦૧૦માં પ્રદેશ BJPના જનરલ સેક્રેટરી બન્યા અને એપ્રિલ ૨૦૧૩થી પાર્ટીના પ્રદેશપ્રમુખ છે.