યોગી 72 અને માયાવતી 48 કલાક ચૂંટણીપ્રચાર કરી શકશે નહીં

16 April, 2019 11:36 AM IST  | 

યોગી 72 અને માયાવતી 48 કલાક ચૂંટણીપ્રચાર કરી શકશે નહીં

યોગી આદિત્યનાથ

આચારસંહિતાનો ભંગ કરવાના મામલામાં ચૂંટણીપંચે આખરે લાલ આંખ કરી છે. પંચે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને બહુજન પાર્ટીનાં પ્રમુખ માયાવતીના પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. યોગી આદિત્યનાથ પર 72 અને માયાવતી પર 48 કલાક સુધી પ્રચાર નહીં કરવાનો પ્રતિબંધ મૂક્યો છે.

આ પ્રતિબંધ દરમિયાન યોગી આદિત્યનાથ અને માયાવતી ન તો કોઈ રૅલી કે સભાને સંબોધી શકશે કે ન તો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી શકશે. એ સિવાય તેઓ કોઈ ઇન્ટરવ્યુ પણ નહીં આપી શકે. ચૂંટણીપંચનો આ પ્રતિબંધ ૧૬ એપ્રિલે સવારે ૬ વાગ્યાથી શરૂ થશે. ચૂંટણીપંચના નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે યોગી આદિત્યનાથ ૧૬, ૧૭ અને ૧૮ એપ્રિલે કોઈ પ્રચાર નહીં કરી શકે તેમ જ માયાવતી ૧૬ અને ૧૭ એપ્રિલે કોઈ ચૂંટણીપ્રચાર નહીં કરી શકે.

બસપાનાં અધ્યક્ષ માયવતીએ ઉત્તર પ્રદેશના દેવબંધમાં ચૂંટણીસભા દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકો પાસે મતની અપીલ કરી હતી. માયાવતીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે મુસ્લિમ સમુદાય પોતાના વોટમાં ભાગલા ન પાડે અને ફક્ત માહાગઠબંધનને વોટ આપે. માયાવતીનું આ નિવેદન ધર્મના નામે મત માગવાના નિયમનું છડેચોક ઉલ્લંઘન છે.

જોકે સોમવારે સવારે સુપ્રીમ કોર્ટે માયાવતીને દેવબંદ રૅલીમાં આપેલા ભાષણ પર વિરોધ વ્યક્ત કર્યો હતો. કોર્ટ તરફથી ચૂંટણીપંચ પર ફિટકાર વરસાવી હતી કે હજી સુધી આ મામલે કાર્યવાહી કેમ કરી નથી? સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ચૂંટણીપંચ ફક્ત નોટિસ કેમ ફટકારી રહ્યું છે, નક્કર પગલાં કેમ નથી ઉઠાવતી.

આ પણ વાંચો : છત્તીસગઢમાં છે રાફેલ નામે ગામ, હવે ગામવાળાઓ આ નામથી પરેશાન

સુપ્રીમ કોર્ટે ચૂંટણીપ્રચાર દરમ્યાન નફરત ફેલાવતા ભાષણ આપવા અને ધાર્મિક આધાર પર વોટ માગનારા નેતાઓ પર કાર્યવાહી ન કરવાને લઈને ચૂંટણીપંચની સમિતિ શક્તિઓને લઈ નારાજગી દર્શાવી હતી.

yogi adityanath mayawati Election 2019 national news