પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે આજે તામિલનાડુમાં બીજી શિખર બેઠક

11 October, 2019 12:13 PM IST  |  ચેન્નઈ

પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે આજે તામિલનાડુમાં બીજી શિખર બેઠક

પીએમ મોદી અને જિનપિંગ

તામિલનાડુના મહાબલિપુરમમાં ૧૧-૧૨ ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બીજી અનૌપચારિક શિખર બેઠક થવા જઈ રહી છે. બન્ને નેતાઓ યુનેસ્કોનાં કેટલાંક વિશ્વ ધરોહર જેવા સ્થળોનું ભ્રમણ કરશે અને કલાક્ષેત્ર દ્વારા પ્રસ્તુત એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાની પ્રસ્તાવિત બેઠક માટે ૧૧ ઑક્ટોબરે બપોર પછી ચેન્નઈ પહોંચશે. આ સ્થળ મહાબલીપુરમથી ૫૦ કિલોમીટર દૂર છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ બન્ને નેતાઓ મહાબલીપુરમમાં સાંજે બેઠક કરશે અને વડા પ્રધાન મોદી રાષ્ટ્રપતિ જિનપિંગને કાંઠાના શહેરમાં પલ્લવ શાસકો દ્વારા નિર્મિત કેટલાક ઐતિહાસિક ધરોહરોની મુલાકાત કરાવશે. તેમણે કહ્યું કે મોદી ચીનના રાષ્ટ્રપતિના સન્માનમાં ડીનરનું આયોજન કરશે અને બન્ને નેતાઓ ત્યાં કલાક્ષેત્રના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થશે. સૂત્રોએ જણાવ્યું કે ત્યાર બાદ બન્ને નેતાઓ ૧૨ ઑક્ટોબરે પોતાના પ્રતિનિધિઓ વચ્ચે વાર્તાના બીજા તબક્કામાં સામેલ થશે. ત્યાર બાદ શી બપોરે બે વાગ્યે સ્વદેશ રવાના થઈ જશે. બીજા દિવસની વાર્તા તાજ સમૂહ દ્વારા સંચાલિત ફિશરમેન્સ કોવમાં થશે. વાર્તા જોકે અનૌપચારિક છે તો કોઈ પણ ઔપચારિક વાર્તા કે કોઈ પણ કરાર પર હસ્તાક્ષર થશે નહીં.

વાર્તામાં ભારત તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત વિદેશપ્રધાન એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ સામેલ થશે જ્યારે ચીન તરફથી જિનપિંગ ઉપરાંત ચીનના વિદેશ મંત્રી વાંગ યી સામેલ થશે.

કાશ્મીર મુદ્દે ભારતનો ચીનને સંદેશ : અમારા આંતરિક મામલા પર ટિપ્પણી ન કરો

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાન વચ્ચે કાશ્મીર મુદ્દે ચર્ચા કરવાના અહેવાલો પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં ભારતે કહ્યું કે આ મુદ્દે અમારા વલણથી બીજિંગ સારી રીતે અવગત છે અને અમારા આંતરિક મામલા પર અન્ય દેશ ટિપ્પણી ન કરે.

ભારતની આ આકરી પ્રતિક્રિયા જિનપિંગ અને ખાનની વચ્ચે એક બેઠકમાં કાશ્મીર પર ચર્ચા થવા વિશે ચીનના સરકારી મીડિયામાં આવેલા અહેવાલો બાદ આવી છે. અહેવાલો મુજબ બેઠકમાં શી જિનપિંગે ઇમરાન ખાનને કહ્યું કે કાશ્મીરમાં સ્થિતિ પર ચીન નજર રાખી રહ્યું છે અને તેઓએ આશા વ્યક્ત કરી કે શાંતિપૂર્ણ મંત્રણા દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવી શકાય છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યુ કે ‘અમે શી જિનપિંગની ઇમરાન ખાનની સાથે બેઠક વિશે અહેવાલો જોયા છે જેમાં કાશ્મીર પર તેમની વચ્ચે થયેલી ચર્ચાનો પણ ઉલ્લેખ છે. ભારતનું સતત અને સ્પષ્ટ વલણ રહ્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. ચીન અમારા વલણથી સારી રીતે અવગત છે. ભારતના આંતરિક મામલા પર અન્ય દેશ ટિપ્પણી ન કરે.’

મોદી હૉન્ગકૉન્ગ અને તિબેટમાં થતા અત્યાચારનો મુદ્દો જિનપિંગ સમક્ષ ઉઠાવેઃ કૉન્ગ્રેસ

જિનપિંગ ભારત આવવા રવાના થાય એ પહેલાં જ કાશ્મીર મુદ્દો યુએનના પ્રસ્તાવ પ્રમાણે ઉકેલવાની ચીને આપેલી સલાહ બાદ ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારત પોતાના આંતરિક મામલાઓમાં આ પ્રકારની ટિપ્પણી પસંદ નથી કરતું. આ બાબતે ભારતનું વલણ સ્પષ્ટ છે. ચીન પણ એનાથી સારી રીતે વાકેફ છે. ભારતના વિદેશ મંત્રાલયને ચીનના રાષ્ટ્રપતિ અને પાકિસ્તાનના વડા પ્રધાન વચ્ચેની મુલાકાત વિશેના અહેવાલની જાણકારી છે એમાં કાશ્મીરનો ઉલ્લેખ પણ છે.

જોકે કૉન્ગ્રેસે આ મુદ્દે પીએમ મોદીને આકરું વલણ અપનાવવાની સલાહ આપી છે. કૉન્ગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું હતું કે ‘ભારત કેમ હૉન્ગકૉન્ગમાં માનવાધિકારીઓના ઉલ્લંઘન અને યીગુર મુસ્લિમો પર અત્યાચારનો મુદ્દો ચીન સમક્ષ નથી ઉઠાવતુ?’

તિવારીએ ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘શી જિનપિંગ જો એમ કહેતા હોય કે કાશ્મીર પર ચીનની નજર છે તો પીએમ મોદી અને વિદેશ મંત્રાલયે જિનપિંગને કહેવું જોઈએ કે અમે હૉન્ગકૉન્ગમાં લોકશાહીના સમર્થકો પર થયેલા અત્યાચાર, યીગુર મુસ્લિમો પરના અત્યાચાર, તિબેટમાં થઈ રહેલા માનવાધિકારોના ભંગ પર, સાઉથ ચાઇના સી પર નજર રાખી રહ્યા છીએ.’

tamil nadu narendra modi xi jinping national news