કૉન્ગ્રેસ હિન્દુઓ પર અત્યાચાર કરનાર પાકિસ્તાન સામે મૌન કેમ? : મોદી

03 January, 2020 02:12 PM IST  |  Mumbai Desk

કૉન્ગ્રેસ હિન્દુઓ પર અત્યાચાર કરનાર પાકિસ્તાન સામે મૌન કેમ? : મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ટુમકુરુ જિલ્લાના સિદ્દગંડા મઠની મુલાકાત લીધી એ વખતે મઠાધિપતિ, રાજ્યના મુખ્ય પ્રધાન બી. એસ.યેદિયુરપ્પા અને અન્ય નેતાઓ.

કૉન્ગ્રેસ પાડોશી દેશ સામે બોલવાની જગ્યાએ હિન્દુ શરણાર્થી સામે રૅલી કાઢે છે : મોદીએ કર્યો કટાક્ષ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે ગુરુવારે બીજેપીશાસિત કર્ણાટક રાજ્યની બે દિવસીય સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે ટુમકુરમાં શ્રી સિદ્ધગંગા મઠની મુલાકાત લઈને અહીં યોજાયેલી એક જંગી રૅલીને સંબોધન કર્યું હતું જેમાં મોદીએ તેમની સરકારના સંશોધિત નાગરિક કાયદા સામે થઈ રહેલા વિરોધના સંદર્ભમાં કૉન્ગ્રેસ સહિત વિરોધી પક્ષો ઉપર જોરદાર પ્રહાર કર્યા હતા અને કૉન્ગ્રેસને પડકાર ફેંક્યો હતો કે જો કૉન્ગ્રેસે વિરોધ-પ્રદર્શન જ કરવું હોય તો ભારતના નાગરિકો પર અમાનુષી અત્યાચાર ગુજારનાર પાકિસ્તાનનાં કાળાં કામો સામે કરવું જોઈએ. પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે એથી તેઓ પોતાના જીવ બચાવવા ભારતમાં શરણ લેવા આવે છે. કૉન્ગ્રેસ પાડોશી દેશ સામે બોલવાની જગ્યાએ હિન્દુ શરણાર્થી સામે રૅલી કાઢે છે એવો કટાક્ષ પણ મોદીએ કર્યો હતો.
પીએમ મોદીએ ટુમકુરમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ત્રીજો હપ્તો ખેડૂતોને આપ્યો. પીએમ મોદીએ અહીં ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા ૧૨,૦૦૦ કરોડ રૂપિયાની રાશિને ટ્રાન્સફર કરી જે ૬ કરોડ ખેડૂતોનાં ખાતાંમાં ગઈ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ૬૦૦૦ રૂપિયાની રાશિ મળે છે. પીએમ સન્માન નિધિ હેઠળ ખાતાંમાં પહોંચનારો આ ત્રીજો હપ્તો છે.
કૉન્ગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે વધુમાં કહ્યું કે કૉન્ગ્રેસ પાકિસ્તાનનાં આ કૃત્યો અંગે શા માટે મૌન છે? તે પાકિસ્તાનના દમન પર શા માટે મૌન છે? શું પાકિસ્તાન દ્વારા આ સતાવેલા લોકોને મદદ કરવાની જવાબદારી આપણી નથી? આજે દરેક દેશવાસીનો સવાલ છે કે જે લોકો પાકિસ્તાનથી પોતાનો જીવ બચાવવા, તેમની દીકરીઓનો જીવ બચાવવા આવ્યા છે તેમની વિરુદ્ધ સરઘસ કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ પાકિસ્તાન જેણે હિન્દુઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે, એની સામે આ કૉન્ગ્રેસ અને તેમના સાથી પક્ષોના લોકોના મોં પર કેમ તાળાં છે એવો સવાલ પણ તેમણે કર્યો હતો.
વડા પ્રધાને કહ્યું, ‘જો તમારે સૂત્રોચ્ચાર કરવા જ હોય તો પાકિસ્તાનમાં જે રીતે લઘુમતીઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે એનાથી સંબંધિત સૂત્રોચ્ચાર કરો. જો તમારે કોઈ સરઘસ કાઢવું હોય તો પછી પાકિસ્તાનથી હિન્દુ-દલિત-પીડિત-શોષણના સમર્થનમાં સરઘસ કાઢો, પરંતુ એવું કરવાને બદલે વિરોધ પક્ષો દેશ અને દેશની સંસદની વિરુદ્ધ બોલીને સંસદનો વિરોધ કરી રહ્યા છે. એ સંસદ કે જેણે શરણાર્થી હિન્દુ સહિત ૬ ધર્મોને ભારતનું નાગરિકત્વ આપવાનો કાયદો પસાર કર્યો છે એ કાયદાનો વિરોધ કરીને તેઓ ખરેખર તો સંસદ જેવી સૌથી ઊંચી સંસ્થાનો વિરોધ અને અપમાન કરી રહ્યા છે.
સીએએ એટલે કે નાગરિકતા કાયદાનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહ્યું, ‘ભારતનું વિભાજન ધર્મના આધારે જ થયું હતું. પાકિસ્તાન ધર્મના આધારે જ બનાવવામાં આવ્યું હતું. પાકિસ્તાનમાં રહેતા હિન્દુ ધાર્મિક લઘુમતીઓની ત્યાં સતામણી કરવામાં આવે છે. સતાવેલા લોકોને શરણાર્થી તરીકે ભારત આવવાની ફરજ પડે છે, પરંતુ કૉન્ગ્રેસ અને તેના સાથી પક્ષો પાકિસ્તાન વિરુદ્ધ બોલતા નથી બલકે તેઓ આ હિન્દુ શરણાર્થીઓ વિરુદ્ધ રૅલીઓ ચલાવે છે. હવે તે દરેક ભારતીયનું માનસ બની ગયું છે કે આપણને વારસામાં મળતી સમસ્યાઓનું સમાધાન કરવું પડશે. સમાજમાંથી નીકળતો આ સંદેશ આપણી સરકારને પ્રેરણા અને પ્રોત્સાહન પણ આપે છે.

national news narendra modi