જેલમાં દોષી વિનય શર્માને ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે : વકીલ

26 January, 2020 12:24 PM IST  |  Mumbai Desk

જેલમાં દોષી વિનય શર્માને ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે : વકીલ

નિર્ભયા ગૅન્ગરેપ અને હત્યાના કેસમાં દિલ્હીની એક કોર્ટે દોષીઓના વકીલની અરજી રદ કરી નાખી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તિહાડ જેલ દસ્તાવેજ નથી આપી રહી. બચાવ પક્ષના વકીલે કોર્ટને સૂચના આપી હતી કે તિહાડ જેલના અધિકારીઓએ વકીલ તરફથી માગવામાં આવેલા સંબંધિત તમામ દસ્તાવેજો પહેલાંથી જ આપી દીધા છે જે અંગે દિલ્હીની કોર્ટે કહ્યું હતું કે આ મામલે કોઈ આદેશની જરૂરિયાત નથી અને કોર્ટે આ અરજી રદ કરી નાખી હતી.

હકીકતમાં નિર્ભયા ગૅન્ગરેપ મામલાના દોષી પવન, અક્ષય અને વિનયે પોતાના વકીલના માધ્યમથી એક અરજી દાખલ કરી હતી. ત્રણેયના સંયુક્ત વકીલ એ. પી. સિંહે પટિયાલા હાઉસ કોર્ટમાં કહ્યું કે તિહાડ જેલ તંત્રએ અત્યાર સુધી તેમને દોષી પવન, અક્ષય અને વિનયના દસ્તાવેજ સોંપ્યા નથી, આ માટે ક્યુરેટિવ પિટિશન અને રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરવામાં મોડું થઈ રહ્યું છે.
ફાંસીની સજા ટાળવા માટે નિર્ભયાના દોષી અને તેના વકીલ એક પછી એક નવા-નવા કીમિયા અજમાવી રહ્યા છે. દોષીઓની સાથોસાથ તેમના વકીલ એ.પી. સિંહે પણ કોથળામાંથી બિલાડું કાઢ્યું છે. વકીલે દાવો કર્યો છે કે જેલમાં દોષી વિનય શર્માને ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે.

ફાંસીથી બચવા નવો પેંતરો, દોષી મુકેશ સુપ્રીમ કોર્ટના શરણે
નિર્ભયા કેસમાં ફાંસીની સજા પામેલા ચાર દોષી પૈકી એક મુકેશ સિંહે ફરી એક વખત સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. મુકેશ સિંહે તેના વકીલ વૃંદા ગ્રોવર મારફતે સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરી રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી નકારવાના નિર્ણયને પડકાર્યો છે એમ મુકેશના વકીલે આજે જણાવ્યું હતું.

national news delhi Crime News sexual crime