વિદર્ભના ગ્રામજનો ૯૦૦ રૂપિયામાં ગૅસ-સિલિન્ડરનું રિફીલિંગ કરાવી શકતા નથી

13 January, 2020 07:47 AM IST  |  Mumbai Desk | vinod kumar menon

વિદર્ભના ગ્રામજનો ૯૦૦ રૂપિયામાં ગૅસ-સિલિન્ડરનું રિફીલિંગ કરાવી શકતા નથી

ગૅસ સિલિન્ડર રીફીલ કરવું પોસાય તેમ ન હોવાથી રસોઈ કરતાં મહિલાઓ. અને ઘરનાં એક ખૂણામાં પડેલો ગૅસ સિલિન્ડર.

નક્સલગ્રસ્ત વિદર્ભમાં વડા પ્રધાનની ઉજ્જવલા યોજનાનો ફિયાસ્કો થયો છે. આ યોજના હેઠળ ગામડાંમાં રાંધણ ગૅસની સુવિધા પહોંચાડવા માટે વ્યાપક પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ એક વર્ષ પહેલાં ઉજ્જવલા યોજના અંતર્ગત ગૅસ કનેક્શન્સ મેળવનારા ગડચિરોલી પાસેના ગટ્ટેપાયલી ગામના લોકો ૯૦૦ રૂપિયા ચૂકવીને ગૅસ-સિલિન્ડરનું રિફીલિંગ કરાવી શકતા ન હોવાથી કેટલાક મહિનાથી રોજ ચૂલામાં લાકડાં અને કોલસા બાળીને રસોઈ કરે છે.

ગડચિરોલી શહેરથી ત્રીસેક કિલોમીટર દૂરના ગટ્ટેપાયલી ગામના લગભગ ૮૦ પરિવારોને ફક્ત ૨૦૦ રૂપિયામાં ગૅસ-કનેક્શન અપાયું હતું, પરંતુ અમોલ મડવી અને શિવાજી દુગ્ગા જેવા અનેક ગામવાસીઓનાં ઘરોમાં ગયા એપ્રિલ મહિનાથી ચૂલામાં લાકડાં અને કોલસા બાળીને રસોઈ બનાવવામાં આવે છે. સિલિન્ડર્સ રિફીલ કરાવી શકાતાં ન હોવાથી ઘરમાં ખાલી પડ્યાં રહે છે.
૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં પ્રકાશિત કરવામાં આવેલા કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (કૅગ)ના પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના વિશેના અહેવાલમાં ૨૦૨૦ના માર્ચ સુધીમાં આઠ કરોડ લોકોને રસોઈ રાંધવા માટે ચોખ્ખા બળતણનો પુરવઠો આપીને ૯૦ ટકા લક્ષ્યાંક પૂર્ણ કરનાર હોવાની નોંધ લીધી છે, પરંતુ સિલિન્ડર્સ રિફીલ કરવાની મોટી સમસ્યા છે, કારણ કે લાબાર્થીઓ નિયમિત રીતે સિલિન્ડર્સ બદલતાં નથી.
વિદર્ભના સામાજિક કાર્યકર ડૉ. અભય બંગે જણાવ્યું હતું કે ‘કોઈ પણ વસ્તુ કે સગવડ સસ્તા ભાવે કે વિનામૂલ્ય અપાય એનું સ્વાગત છે, પરંતુ ગડચિરોલી જિલ્લામાં મુખ્ય શહેરથી ૩૦થી ૬૦ કિલોમીટર દૂરનાં આદિવાસી ગામડાં ગાઢ જંગલ વચ્ચે છે. ત્યાં એલપીજી સિલિન્ડર્સ ઘરઆંગણે પહોંચાડવાનું ડીલર્સ માટે પણ આર્થિક કે અન્ય દૃષ્ટિએ મુશ્કેલ બની શકે.’
ગડચિરોલીના કલેક્ટર શેખર સિંહે જણાવ્યું હતું કે ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભો મહત્તમ પ્રમાણમાં પહોંચવાના છે એવા દૂર-સુદૂરના ભાગોમાં અમે ગૅસ-સિલિન્ડર્સનું ડીલર નેટવર્ક વિસ્તારવાની કાર્યવાહીમાં આગળ વધી રહ્યા છીએ. ગટ્ટેપાયલી ગામમાં સિલિન્ડર્સના રિફીલિંગની સમસ્યાની તપાસ કરીશ.’

vidarbha vinod kumar menon