EXCLUSIVE:રામ મંદિર નિર્માણ માટે સોનિયા-રાહુલ સાથે પણ વાત કરશે વિહિપ

27 December, 2018 11:55 AM IST  | 

EXCLUSIVE:રામ મંદિર નિર્માણ માટે સોનિયા-રાહુલ સાથે પણ વાત કરશે વિહિપ

રાયબરેલીના લોકોએ સોનિયા પાસેથી, જ્યારે અમેઠીના લોકોએ રાહુલ ગાંધી પાસેથી સમયની માંગ કરી છે. એટલું જ નહીં વડાપ્રધાન સહિત અન્ય સાંસદો પાસેથી પણ થશે સમર્થનની માંગ.

રામલીલા મેદાનમાં વિરાટ ધર્મ સભા પછી વિશ્વ હિંદુ પરિષદની યાત્રા અટકી નથી. આ યાત્રા અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ સુધી થોભવાની પણ નથી. આ વિશે આગળ વાત કરતાં વિહિપ કાર્યાધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે અમે સાંસદોની સાથે મુલાકાત કરીએ છીએ. તે જ ક્રમમાં રાયબરેલીના સંગઠનના લોકોએ સોનિયા ગાંધી પાસેથી, જ્યારે અમેઠીના લોકોએ રાહુલ ગાંધી પાસેથી સમયના માંગણી કરી છે. એટલું જ નહીં અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય પાર્ટીના સાંસદો સાથે મુલાકાત કરીને સમર્થનની માંગ કરીશું.

 

                                                                    દિલ્હીના રામલીલા મેદાનમાં ભીડ

દિલ્હીના રામલીલા મેદાનમાં ધર્મ સભા જે હેતુથી કરવામાં આવી હતી તે પૂર્ણ થયું? પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ધર્મ સભામાં રામ ભક્તોની હાજરી અદ્ભુત હતી. રામલીલા મેદાનમાં આ પહેલા આવી ભીડ મેં કયારેય જોઈ નથી. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે દેશની જનતા રામમંદિર સાથે કેટલી હદે જોડાયેલી છે. સાથે જ કાયદો પસાર કરાવવા માટે કઈ રીતે આગ્રહ કરી રહી છે. રાજધાની દિલ્હીના હ્રદયમાં થયેલી આ સભાને કારણે અમારી ભાવના સરકાર સુધી જરૂર પહોંચશે. સુપ્રીમ કોર્ટ અને સરકારે એ સમજવું પડશે કે રામમંદિર નિર્માણ માટે કાયદો ઘડવો અતિઆવશ્યક છે. તેને હજી ટાળવાથી ઇતિહાસ તેમને ક્યારેય માફ નહીં કરે.

ધર્મ સભા પછી હવે આગળ શું કરશો? આ પ્રશ્નના જવાબમાં આલોક કુમાર કહે છે કે અમને વિશ્વાસ છે કે કાયદો ઘડાશે. જો કે આ આંદોલનના ત્રીજા તબક્કામાં ગીતા જયંતીના પ્રસંગે 18 ડિસેમ્બરે મોટા પાયે ધાર્મિક અનુષ્ઠાન કરવાનું આહ્વાન કર્યું છે. જે સમસ્ત પ્રકૃતિને અનુકુળ બનાવવામાં મદદરૂપ થશે. ત્યાર બાદ જે પણ પરિસ્થિતિ હશે તેના નાટે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મોટી ધર્મ સંસદ બોલાવવામાં આવી છે, જેમાં સાધુ સંતોના માર્ગદર્શન હેઠળ આગળની રણનીતિ બનાવવામાં આવશે.

સરકાર હજી પણ કંઈ સ્પષ્ટતા કેમ નથી કરતી? અમિત શાહે પણ આ સત્રમાં કોઈ વિધેયક લાવવાની ના પાડી છે? આ પ્રશ્નના જવાબમાં આલોક કુમારે કહ્યું કે અમિત શાહે એમ પણ નથી કહ્યું કે કોઈ વિધેયક નહીં જ આવે. સરકાર નિર્ણય કરી રહી છે, અને તેને અધિકાર પણ છે. અમે લોકોની ભાવનાને તેમના સુધી પહોંચાડીએ તે અમારું કર્તવ્ય છે. સરકારના નિર્ણય પર હિંદુ સમાજ આગળ પોતે વિચારશે.

તેમણે કહ્યું કે રામની ઈચ્છા હશે તો થશે, અમને તો બધું અનુકૂળ દેખાય છે 

2019ની ચૂંટણી પહેલા રામમંદિરનું નિર્માણ પ્રારંભાશે?

આલોક કુમારે કહ્યું કે અમે તો કાયદાની માંગ કરીએ છીએ. 68 વર્ષ સુધી કોર્ટની રાહ જોઈ લીઘી. સુપ્રીમ કોર્ટમાં આ મામલો 2011થી છે જ્યારે કોર્ટમાં 1950થી છે. કોર્ટ સતત આ મામલો ટાળે છે અને હવે હિંદુ સમાજ અનંત કાળ સુધી રાહ જોવા તૈયાર નથી.

rahul gandhi sonia gandhi narendra modi ramlila maidan