આખરે સવર્ણોને પણ મળી અનામત, 10 કલાકની ચર્ચા બાદ બિલ રાજ્યસભામાં પાસ

10 January, 2019 07:56 AM IST  |  નવી દિલ્હી

આખરે સવર્ણોને પણ મળી અનામત, 10 કલાકની ચર્ચા બાદ બિલ રાજ્યસભામાં પાસ

રાજ્યસભા લાઇવ


આર્થિક રીતે નબળા સવર્ણોને આરક્ષણના બંધારણીય સુધારાનો ખરડો રાજ્યસભામાં લગભગ દસ કલાકથી વધારે ચર્ચા બાદ ૧૪૯ વિરુદ્ધ ૭ વોટથી મંજૂર થતાં સવર્ણોને આરક્ષણનો ઐતિહાસિક કાયદો હવે અમલી બનશે. અનુસૂચિત જાતિ-જનજાતિ તથા પછાત વર્ગોને આરક્ષણને કારણે ઊભી થતી અસમતુલા દૂર કરવાના ઉદ્દેશથી નવો કાયદો ઘડવામાં આવ્યો છે. ખરડો સિલેક્ટ કમિટીને મોકલવાની દરખાસ્ત પણ ગૃહમાં રજૂ કરવામાં આવી હતી, પરંતુ એ દરખાસ્તને ૧૮ વિરુદ્ધ ૧૫૫ વોટથી નામંજૂર કરવામાં આવી હતી.

અગાઉ કૉંગ્રેસ, નૅશનલિસ્ટ કૉંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી સહિત કેટલાક વિરોધ પક્ષોએ ખરડાને સૈદ્ધાંતિક ટેકો આપવા સાથે એમાં વાંધા પણ ઊભા કર્યા હતા. જોકે કાયદા ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે ભવિષ્યમાં આ પ્રકારના વધુ સુધારાવાદી નર્ણિયો લેવાની સરકારની તૈયારી હોવાનું જણાવ્યું હતું.

રાજ્યસભામાં રવિશંકર પ્રસાદે વિપક્ષી નેતાઓના સવાલોના જવાબમાં જણાવ્યું હતું કે ‘બંધારણની કોઈ પણ જોગવાઈમાં સુધારો કે ફેરફાર કરી શકાય છે. કેટલાક વિપક્ષો રાજ્ય સરકારો સાથે સલાહ-મસલત વિશે પૂછે છે, પરંતુ આ કિસ્સામાં એવી જરૂરિયાત જણાતી નથી. આ ખરડો સૌને સમાન અવસરો ઉપલબ્ધ કરાવશે. નવા આરક્ષણથી અનુસૂચિત જાતિજનજાતિઓના આરક્ષણને સહેજ પણ અસર થતી નથી. ૨૦૧૦માં કૉન્ગ્રેસી સરકારના કાર્યકાળમાં એક કમિટીએ આર્થિક પછાત વર્ગો માટે આરક્ષણની ભલામણ કરી હતી. એમને એ ભલામણનો અમલ કરતાં કોણે રોક્યા હતા? સમાજમાં સવર્ણો રિક્ષા પણ ચલાવે છે અને મજૂરીનાં કામો પણ કરે છે. તેમને આરક્ષણ માટે વિપક્ષોએ કંઈ ન કર્યું અને અમે કરીએ છીએ ત્યારે તમે સવાલ કરો છો? આ ખરડો રાજ્ય સરકારોની નોકરીઓને પણ લાગુ પડે છે. એના અમલના માપદંડો રાજ્ય સરકારો નક્કી કરી શકે છે.’

national news